કોસંબા : સુરત ગ્રામ્યની કોસંબા પોલીસની ટીમે સિયાલજ ગામની સીમમાંથી એક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની અટક કરી હતી.પોલીસે અંદરથી 2.67 લાખથી વધુનો દારૂ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આગામી 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી કોસંબા પોલીસની ટીમ પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કર્યું હતું.આ દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભરુચ તરફથી નેશનલ હાઇવે નંબર 48 પર એક ઇનોવા કાર જીજે 05 સીએચ 8670માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ આવી રહેલ છે.આ ચોક્કસ બાતમીના આધારે સિયાલજ ગામની સીમમાં આવેલ જનપથ હોટેલની આગળ રસ્તા પર વોચ ગોઠવી હતી.આ દરમ્યાન શંકસ્પદ કાર આવતા જ પોલીસે તેને ઊભી રાખવાની ઈશારો કરતાં કાર ચાલક પૂરઝડપે ભાગવા લાગ્યો હતો.પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઇનોવાની આગળ પોલીસ વાન ઊભી રાખી દેતાં ઇનોવા ઊભી કરી ચાલક અને તેની બાજુમાં બેઠેલ યુવક ઉતરીને નસવા જતાં પોલીસે ચાલકને પકડી લીધો હતો.જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.પોલીસે કારની તલાશી લેતા અંદરથી 1284 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 267600 રૂપિયા મળી આવ્યો હતો.પકડાયેલા ઇસમે પોતાનું નામ મોહમદ અનસ મોહમદ યુસુફ જરીવાલા (રહે કઠોર, કામરેજ) હોવાનું જણાવ્યુ હતું.જ્યારે તેની બાજુમાં બેસેલ યુવકનું નામ અબુ મલેક જણાવ્યુ હતું.વધુ પૂછપરછમાં તેણે આ દારૂ સેલ્વાસથી કઠોરમાં છૂટક વેચાણ માટે લાવ્યા હોવાનું કબૂલ્યું હતું.પોલીસે ગુનો નોંધી દારૂ,મોબાઇલ ફોન,ઇનોવા કાર અને અન્ય સામાન મળી કુલ 7 લાખ 86 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


