ગુરુવારે ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 ના રદ કરવાની અચાનક જાહેરાત કરાઈ.જેને પગલે અમદાવાદનો ફ્લાવર શો અને પતંગોત્સવ પણ રદ કરાયો.આ ઉપરાંત રાજ્યભરમાં અનેક મોટા કાર્યક્રમો રદ કરવાની જાહેરાત ધીરે ધીરે થઈ રહી છે. આવામાં આખરે આ નિર્ણય કેવી રીતે લેવાયો અને ક્યાંથી આદેશ આવ્યો તે સામે આવ્યુ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ આદેશ વડાપ્રધાન ઓફિસમાંથી આવ્યો હતો.આયોજનથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે તેવો પત્ર વડાપ્રધાન ઓફિસને મળ્યો હતો.જેના જવાબમાં સરકારે કાર્યક્રમ રદ કરવાની જાહેરાત થઈ.
રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે.કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે.કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ,સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે.
રાજ્ય કક્ષા મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે.ગુજરાતના આરોગ્ય વિભાગમાં પણ કોરોના ઘૂસ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.આરોગ્ય વિભાગના અધિકારીઓ સંક્રમિત થયા બાદ કર્મચારીઓએ કોરોના ટેસ્ટ કરાવવા દોડ મૂકી હતી.જેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તાત્કાલિક અસરથી કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી.