– આવો ગણગણાટ ઉદ્ધવ ઠાકરેના કૅમ્પમાં સતત વધી રહ્યો છે : અધૂરામાં પૂરું, બૉલીવુડની ઍક્ટ્રેસે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા આપતાં શિવસૈનિકો વધુ નારાજ થયા છે
શિવસેનાનું નેતૃત્વ પાર્ટીને ખતમ કરવાના ધ્યેય સાથેના બળવા સામે લડવા માટે પાયાના સ્તર પરથી સમર્થન મેળવવા ઝઝૂમી રહ્યું છે ત્યારે બૉલીવુડ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી ઊર્મિલા માતોન્ડકર ગાયબ છે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા પડકારોને જડમૂળથી દૂર કરવા માતોશ્રી શિબિર પ્રત્યે તેમની વફાદારી દર્શાવવા માટે સેનાના કાર્યકરોમાં હોડ લાગી છે,એવામાં ઊર્મિલા માતોન્ડકરની ગેરહાજરીએ પક્ષમાં અટકળોને વેગ આપ્યો છે.
ઊર્મિલા માતોન્ડકરે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના સમર્થનમાં આગળ આવવાને સ્થાને એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છાઓ પાઠવતું ટ્વીટ કરતાં સેનાના સભ્યો પરેશાન છે.માતોશ્રી પ્રત્યે વફાદારી ધરાવતા પ્રત્યેક જણ કપરા સમયનો સામનો કરી રહેલા ઉદ્ધવ ઠાકરે પરિવાર અને શિવસેનાને સમર્થનને શપથ લઈ રહ્યા છે,પરંતુ ઊર્મિલા માતોન્ડકર દૂર-દૂર સુધી ક્યાંય જોવા મળતી નથી,એમ માતોશ્રી સાથે નજીકથી જોડાયેલા એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું.શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની વિધાન પરિષદ માટે ઊર્મિલા માતોન્ડકરનું નામ સૂચવ્યું હતું.ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની એમવીએ સરકાર તરફથી ગવર્નર ભગત સિંહ કોશ્યારીને નૉમિનેટ કરવામાં આવેલાં ૧૨ નામમાં ઊર્મિલા માતોન્ડકરના નામનો પણ સમાવેશ થતો હતો.
બંધારણની કલમ ૧૭૧ હેઠળ, રાજ્યપાલ સાહિત્ય,કલા,વિજ્ઞાન,સહકારી ચળવળ અને સામાજિક સેવાના ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ૧૨ સભ્યોને વિધાન પરિષદમાં નિયુક્ત કરી શકે છે.જોકે ૨૦૨૦થી ખાલી પડેલી ૧૨ વિધાન પરિષદના સભ્યોની પોસ્ટ્સને ગવર્નરે ક્યારેય ભરવાની કોશિશ કરી નહોતી,જેનું કારણ માત્ર તેમને જ ખબર છે.રાજ્યમાં શાસક પક્ષના બદલવાની સાથે હવે શિંદે ફડણવીસ સાથે પરામર્શ કરીને રાજ્યપાલને નવી યાદી મોકલશે.ઊર્મિલા માતોન્ડકરે મુંબઈ ઉત્તર મત વિસ્તારમાંથી કૉન્ગ્રેસની ટિકિટ પર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડી હતી અને બીજેપીના ગોપાલ શેટ્ટી સામે હારી ગયાં હતાં.થોડા મહિના પછી તેણીએ ‘ઇન-હાઉસ પૉલિટિક્સ’નું કારણ આપીને કૉન્ગ્રેસ છોડી દીધી પછી તરત બે મહિનામાં જ તે શિવસેનામાં જોડાઈ ગઈ હતી.જ્યારે કંગના રનોટ અને શિવસેના વચ્ચે ગરમાગરમી હતી ત્યારે ઊર્મિલા માતોન્ડકરે શિવસેનાને ટેકો આપીને માતોશ્રી સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવ્યો હતો.
ઊર્મિલા માતોન્ડકરની ગેરહાજરી પરની અટકળો વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતાએ પક્ષમાં નવા આગંતુકોનું સન્માન કરવાની પરંપરા બંધ કરવાનું સૂચન કર્યું હતું.જો કોઈ પક્ષ અન્ય પક્ષોના અસંતુષ્ટ નેતાઓને સામેલ કરે તો એમાં કંઈ ખોટું નથી,પરંતુ, આમ કરતી વખતે કોઈને પણ તરત જ પ્રતિષ્ઠિત પોસ્ટ સાથે પુરસ્કૃત ન કરતાં દરેક નવા પ્રવેશકર્તા માટે રાહ જોવાનો સમયગાળો હોવો જોઈએ, એમ આ નેતાએ ઉમેર્યું હતું.
પક્ષના જૂના કાર્યકર્તાએ મનીષા કાયંદેનો કેસ પણ ટાંકતાં કહ્યું હતું કે ‘બીજેપી સાથે સંકળાયેલાં મનીષા કાયંદે ૨૦૧૨માં સેનામાં જોડાયાં હતાં,પરંતુ તેમને ૨૦૧૮માં વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યાં હતાં.તેણીને છ વર્ષ રાહ જોવી પડી હતી. અન્ય નવા પ્રવેશકર્તાઓ સાથે પણ આવું જ હોવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.