કોરોના સંક્રમણની બીજી લહેરમાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોના શ્રમિકો પોતાની આજીવિકા ગુમાવી રહ્યાં છે.એક સરવેમાં ચોંકાવનારૂં તારણ એવું બહાર આવ્યું છે કે 67 ટકા શ્રમિકોને એક મહિનામાં સરેરાશ 18 દિવસનું કામ મળ્યું છે. બાકીના દિવસોમાં તેમને કામ મળતું નથી.સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં બાંધકામ શ્રમિકોને મહિને માત્ર આઠ દિવસ કામ મળે છે.આ સરવેક્ષણ અલગ અલગ સ્થાનો પર કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના અજમેર અને ભીલવાડા તેમજ ગુજરાતના મહેસાણા,દાહોદ,મહીસાગર,અમદાવાદ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે.
આ સરવેમાં 136 મહિલાઓ સાથે કુલ 590 શ્રમિકોને સાંકળવામાં આવ્યા હતા.સરવેમાં જોવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં ઇંટોના ભઠ્ઠામાં કામ ચાલુ છે અને શ્રમિકોને મહિને 24 દિવસ સુધી કામ મળી રહે છે.જો કે બાંધકામ ક્ષેત્ર,ખેતીવાડી અને ઘરેલું કાર્યમાં શ્રમિકોને મુસિબતોનો સામનો કરવો પડી રહ્યો છે.ગુજરાતના સુરતમાં 50 ટકાથી વધુ શ્રમકો કામ નહીં હોવાથી સ્થળાંતર કરી રહ્યાં છે.
અમદાવાદના બજારમાં પણ આવી સ્થિતિ છે.શ્રમિકોએ સરવેક્ષણ ટીમને કહ્યું કે અમને કામ પર બોલાવવામાં આવે છે પરંતુ તે પહેલાં કોરોના નેગેટીવ રિપોર્ટ માગવામાં આવે છે.મહેસાણામાં તો પોલીસે મજૂરોને જાહેર સ્થળોએ ઉભા રહેવાની મંજૂરી આપી નથી.આ જિલ્લામાં 70 ટકા ફેક્ટરી મજૂરો તેમના ઘરે પાછા જતા રહ્યાં છે.આવી હાલત કૃષિ શ્રમિકોની પણ જોવા મળે છે.
સરવેક્ષણમાં એવી બાબત સામે આવી છે કે ભારત સરકારના મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ શ્રમિકો કામ મેળવવામાં સફળ રહ્યાં નથી, કારણ કે કેટલીક જગ્યાએ કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કામને રોકી દેવામાં આવ્યું છે. સુરતમાં શેરડીના ખેતરમાં કામ કરતાં મજૂરો કાપણી બાદ મહારાષ્ટ્રમાં જતા રહે છે પરંતુ આ વખતે મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી તેઓ ત્યાં જઇ શક્યા નથી.
67 ટકા શ્રમિકોને 20 દિવસથી ઓછું કામ મળતું હોવાથી તેમના રાશન અને ભોજનમાં મુશ્કેલી ઉભી થઇ છે. 29 ટકા શ્રમિકોએ કહ્યું છે કે તેમને રાશન મળી શક્યું નથી. 71 ટકા શ્રમિકોના ઘરમાં ભોજન બનાવી શકાતું નથી.માત્ર 15 ટકા શ્રમિકો પાસે એક મહિના સુધી ચાલે તેટલું રાશન જોવા મળ્યું છે. 17 ટકા શ્રમિકોને એ ખબર નથી કે સરકાર દ્વારા મફત રાશન મળી રહ્યું છે.જો કે સરકારે મે અને જૂન મહિનામાં શ્રમિકો માટે મફત રાશનની જાહેરાત કરી છે.
કોરોના સંક્રમણ અંગે પૂછવામાં આવતા 32 ટકા શ્રમિકોએ કહ્યું કે તેઓ બિમાર પડ્યાં હતા.બાકી શ્રમિકોએ કહ્યું કે તેમના શરીરમાં બિમારીના કોઇ લક્ષણો નથી.જે લોકો બિમાર પડ્યા હતા તેમને શરદી,ખાંસી અને શરીરમાં દર્દની શિકાયત જોવા મળી છે. 11 ટકા શ્રમિકોએ ઘેર બેઠાં સારવાર કરી છે અને 9 ટકા શ્રમિકો ડૉક્ટર પાસે ગયા છે.સરવેમાં એવી બાબત સામે આવી છે કે 27 ટકા શ્રમિકોએ કોરોના પરિક્ષણ કરાવ્યું હતું.કેટલાક શ્રમિકોએ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. 13 ટકા શ્રમિકોએ કહ્યું હતું કે તેમનો કોવિડ પોઝિટીવ આવ્યો હતો.


