નવી દિલ્હી :બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને‘ડ્રગ્સ ઓન ક્રૂઝ’કેસમાં રાહત મળી છે.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો(એનસીબી)એ આર્યનને ક્લીનચીટ આપી દીધી છે.આ કેસમાં આર્યન ખાનની ધરપકડ થઇ હતી અને તેને ૨૬ દિવસ જેલમાં કાઢવા પડ્યા હતા.મુંબઇની કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરનાર એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આર્યન ખાન અને અન્ય પાંચ લોકોનું નામ પૂરાવાના અભાવે સામેલ કરાયું નથી.એનસીબીના વડા એસ એન પ્રધાને કહ્યું હતું કે અમને ૧૪ લોકો સામે ફીઝિકલ અને પારિસ્થિતિક પૂરાવા મળ્યા હતા.જોકે છ લોકો સામે પૂરાવા મળ્યા ન હતા.શું આ કેસમાં શાહરૂખ ખાનની પૂછપરછ કરાઇ હતી કે કેમ તેવા સવાલના જવાબમાં પ્રધાને ઉમેર્યું હતું કે ‘કેટલાક સંબંધિત વ્યક્તિગત સવાલો પૂછાયા હતા,પરંતુ નામો અંગે ટિપ્પણી કરી શકી નહતી.’આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે સત્ય સામે આવી ગયું છે.આર્યન સામે આરોપ મુકવા કે તેની ધરપકડ કરવા માટે કોઇ મટિરિયલ નથી.એનસીબીએ ભૂલ કબૂલી હતી અને કહ્યું હતું કે આર્યન ખાન સામે ખટલો ચલાવવા માટે કોઇ કારણ નથી.એસઆઇટી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે એનડીપીસી એક્ટની વિવિધ કલમો હેઠળ ૧૪ વ્યક્તિઓ સામે ફરિયાદ ફાઇલ કરાઇ છે.
બાકીના છ સામે ફરિયાદ કરાઇ નથી તેમ એનસીબીએ ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે એનસીબીની મુંબઇની ઝોનલ ઓફિસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ પાસેથી બીજી ઓક્ટોબરે આઠ લોકોની ધરપકડ કરી હતી.આ આરોપીઓમાં આર્યન ઉપરાંત વિક્રાંત,ઇશમીત,અરબાઝ,ગોમિત,નુપૂર,મોહક અને મુનમુનનો સમાવેશ થતો હતો.આર્યન અને મોહક સિવાય બાકીના તમામ આરોપીઓ પાસે નાર્કોટિક્સ મળી આવ્યા હતા.આર્યન ખાનને મુંબઇની આર્થર રોડ જેલમાંથી ૩૦ ઓક્ટોબરે છૂટકારો થયો હતો.એનસીબીએ રજિસ્ટ્રી સામે તેની ચાર્જશીટ સબમિટ કરી હતી અને એનડીપીએસની ખાસ કોર્ટ હવે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તે બાબતને ધ્યાનમાં લેશે.એનસીબીની ઝોનલ ઓફિસ દ્વારા કેસમાં ધરપકડ કરાઇ હતી.ઝોનલ ઓફિસના ડિરેક્ટર(હવે પૂર્વ)સમીર વાનખેડે એ વખતે આ કેસથી ચર્ચામાં આવ્યા હતા.છટ્ઠી નવેમ્બરે એનસીબી વડામથકે તપાસમાંથી વાનખેડેને દૂર કર્યા હતા અને આ કેસ દિલ્હીની એસઆઇટીને સોંપી દેવાયો હતો.


