– ક્રૂડના વાયદામાં જબરી અફડાતફડી મચીઃ ભાવ નેગેટીવ થતા એમસીએકસએ ભારતમાં ૧ રૂપિયો નક્કી કરી સેટલમેન્ટ પ્રાઈઝ : બ્રોકરો હાઈકોર્ટમાં જશે : એમસીએકસે ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈઝ માઈનસ રૂ. ૨૮૮૪ પર બેરલ જાહેર કરી : બ્રોકરોની હાલત કફોડી :એકસચેન્જમાં રૂપિયા ભરવા પડશેઃ ગ્રાહકો પાસેથી લેવામાં તકલીફ પડશે :ક્રૂડમા રમનારાઓ એમસીએકસમાં ફસાયાનો સૂર
મુંબઈ, તા. ૨૨ : ક્રૂડના ભાવમાં કડાકો બોલી જતા અને ક્રૂડના ભાવ ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી જતા વિશ્વબજારમાં હલચલ મચી ગઈ છે. એમસીએકસ ક્રૂડના વાયદામાં પણ ભારે અફડાતફડી અને ધમાસાણ મચી ગયુ છે.ક્રૂડમાં રમનારાઓ એમસીએકસમાં ફસાયા છે અને બ્રોકરોની હાલત પણ કફોડી થઈ છે.બ્રોકરો સેટલમેન્ટ માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવે તેવી પણ શકયતા છે.એમસીએકસમાં કોમોડીટીના બ્રોકરો એપ્રિલ ક્રૂડના ફયુચરના સેટલમેન્ટ માટે આવુ કરે તેવુ શકયતા છે.
બ્રોકરો એપ્રિલ ક્રુડના કોન્ટ્રાકટના સેટલમેન્ટના ભાવ નેગેટીવ રૂ. ૨૮૮૪ પર બેરલ નક્કી કરાતા તેઓ અપસેટ હોવાનું જાણવા મળે છે.આજે જ તેઓ હાઈકોર્ટમાં જાય તેવી શકયતા છે.સેટલમેન્ટના ભાવને લઈને જબરો વિવાદ થાય તેવા એંધાણ મળી રહ્યા છે.અનેક બ્રોકરોના કલાઈન્ટો કે જેઓ લોંગ પોઝીશનમાં છે તેઓ પણ આ જ રસ્તો અપનાવે તેવી શકયતા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક અંદાજ અનુસાર ક્રૂડના ભાવમાં કડાકા બોલી જતા બ્રોકરોને ૪૦૦થી ૪૫૦ કરોડનું નુકશાન થયાની આશંકા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેબીએ પણ દરમિયાનગીરી કરી છે અને તેમણે બ્રોકરોની તમામ ઓપન પોઝીશનને પણ રીવ્યુ કરવા જણાવ્યુ છે,કારણ કે એમસીએકસનું સેટલમેન્ટ ગેરેન્ટી ફંડ રૂ. ૪૦૦ કરોડથી વધુ નથી.
અત્રે એ નોંધનીય છે કે એમસીએકસે ક્રૂડનો વાયદા ભાવ નેગેટીવ થતા ભારતમાં સેટલમેન્ટ પ્રાઈઝ એક રૂપિયો નક્કી કરી છે.મોડીરાત્રે એમસીએકસે એક પરીપત્ર બહાર પાડી લખ્યુ હતુ કે કોન્ટ્રાકટના સેટલમેન્ટની પ્રાઈઝ અત્યારે પ્રતિ બેરલ એક રૂપિયો નક્કી કરવામાં આવેલ છે અને અંતિમ નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવશે.જો કે કેટલાકનું કહેવુ છે કે એમસીએકસનું આ પગલુ મોટા બ્રોકર્સને કરોડો રૂપિયાના નુકશાનથી બચાવવા માટે લીધુ છે.હકીકતે એમસીએકસ પર એપ્રિલ મહિનાના ક્રૂડનો વાયદા સોમવાર સાંજે બંધ થવાથી ભારત અને અમેરિકાના ભાવમાં મોટુ અંતર આવી ગયુ હતું.ભારતમાં તે ૯૬૫ રૂ.પ્રતિ બેરલ બંધ થયો જ્યારે અમેરિકી ક્રૂડ નાઈમેકસ પર માઈનસ ૩૭ ડોલર હતો.આ રીતે ગણતરી કરીએ તો અમેરિકા અને ભારતના સેટલમેન્ટ પ્રાઈઝમાં ૩૭૭૭ રૂ. બેરલનું અંતર છે.આ ગણતરીમાં એક ડોલરની કિંમત ૭૬ રૂ. ગણવામાં આવી છે.જે અનુસાર ૩૭૭૭ રૂ. થાય છે.આ ગણતરીમા મે ના વાયદાના અમેરિકી ક્રૂડ ડબલ્યુટીઆઈના ભાવ માઈનસ ૩૭ ડોલરને ૭૬થી ગુણવામાં આવે તો તેનુ રૂપિયામાં મૂલ્ય માઈનસ ૨૮૧૨ રૂ.થાય.હવે એમસીએકસ પર એપ્રિલ કોન્ટ્રાકટ માટે બંધ ક્રૂડ ઓઈલનો ભાવ ૯૬૨ જોડવામાં આવે તો કુલ રૂ.૩૭૭૭ થાય.જો કે એમસીએકસના સેટલમેન્ટને બ્રોકરો ડીઝાસ્ટર ગણાવી રહ્યા છે અને પુઅર કોન્ટ્રાકટ ગણાવી રહ્યા છે.હાલના નિયમોને કારણે કોન્ટ્રાકટના ખરીદનારને નેગેટીવ સેટલમેન્ટ પ્રાઈઝ કેસ સેટલમેન્ટમાં મોટી ચુકવવી પડશે.બ્રોકરોનું કહેવુ છે કે ૨૦ એપ્રિલના વાયદામાં નેગેટીવનો કટ આવ્યો છે.ઉપરાંત તમે ખરીદેલા ક્રૂડના તો રૂપિયા આપવાનો ઉપરથી એક લોટના રૂપિયા પણ ચૂકવવાના થાય.હવે આવુ થતા એમસીએકસમાં સોદામા ગ્રાહકો અનેક વખત વિચાર કરે તેવી શકયતા છે.