નવી દિલ્હી,
મૂડી’ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે કહ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં આવેલા ઐતિહાસિક કડાકાને કારણે સરકાર સંચાલિત કંપનીઓ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડની આવક અને તેના ક્રેડિટ મેટ્રિક્સ નબળા પડશે તેવી શક્યતા છે.ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના જે ભાવ છે તે જ ભાવ લાગુ પડે છે.છેલ્લાં એક મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તૂટીને બેરલદીઠ 18 ડોલરની બે દાયકાની નીચી સપાટીએ સરકી ગયા હતા.હાલમાં થોડાં રિકવર થઈને 28-30 ડોલર છે.ક્રૂડના ભાવમાં કડાકા ઉપરાંત ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયાને ગેસના ભાવમાં સરકાર નિયંત્રિત ભાવ મુજબ ઘટાડો કરવો પડી રહ્યો છે.
મૂડી’ઝ ઈન્વેસ્ટર્સે એશિયાની ઓઈલ-ગેસ કંપનીઓ અંગેના રિપોર્ટમાં કહ્યું હતું કે ઓએનજીસીની આવક આગામી એકથી દોઢ વર્ષમાં ઘટશે.તેણે કહ્યું કે ઓએનજીસી ઈન્ટિગ્રેટેડ કંપની છે તેમ છતાં 2019-20માં તેના ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટનું તેના કોન્સોલિડેટેડ એબિટામાં માત્ર 30 ટકા યોગદાન હતું.ક્રૂડ ઓઈલનું અપસ્ટ્રીમ આવકમાં 80 ટકા યોગદાન હતું.વળી,ઓએનજીસીએ નેચરલ ગેસના ભાવમાં પણ ઘટાડો કરવો પડ્યો છે.1 એપ્રિલે સરકારે નક્કી કરેલા ભાવ મુજબ નેચરલ ગેસનો ભાવ 2.39 ડોલર પ્રતિ એમબીટીયુ કરાયો હતો,જે અગાઉ 3.23 ડોલર હતો.તેને કારણે કંપનીની આવક ઘટશે.જોકે આમ છતાં મૂડીઝે તેનું baa2 રેટિંગ જાળવ્યું હતું અને કહ્યું હતું કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો ક્રેડિટ મેટ્રિક્સ પર અસર થશે.ઓઈલ ઈન્ડિયાના કેસમાં તેણે કહ્યું કે એબિટા 55 ટકા ઘટશે.લિક્વિડિટીની દૃષ્ટિએ ઓઈલ ઈન્ડિયાએ નજીકના સમયમાં કોઈ ડેટ લાયેબિલિટી પૂરી કરવાની નથી. વળી,તે પૂરતો કેશ ફ્લો જનરેટ કરે છે.


