16 માર્ચ, 2022 બુધવાર અમદાવાદ : ચીનમાં કોરોના મહામારીની વધુ એક લહેર એ કહેર વરસાવતા ક્રૂડની તેજી ધોવાઈ છે.લોકડાઉન લાદ્યા બાદ આગામી સમયમાં વધુ આકરા પ્રતિબંધો લાદવામાં આવશે તેવી આશંકાએ ક્રૂડમાં ત્રણ સપ્તાહનું તળિયું જોવા મળ્યું છે.
સોના બાદ ક્રૂડની તેજી ઓસરતા ભારત અને વિશ્વબજારમાં તેજીનો વંટોળ જોવા મળ્યો છે.જોકે ભારતીય શેરબજારની આ તેજી આભાસી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.સેન્સેકસ-નિફટી સવારથી જ 1.25%થી વધારેની તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે પરંતુ બીએસઈ ખાતે એડવાન્સ-ડિકલાઈન અને બ્રોડર માર્કેટ પર નજર કરીએ તો સ્થિતિ સ્પષ્ટ થાય છે.
બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 1.20% અને સ્મોલકેપ ઈન્ડેકસ 1.25% ઉંચકાયા છે જ્યારે બીએસઈ ખાતે 2288 શેર વધીને તો 933 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે.બીએસઈ ખાતે 11.30 કલાક સુધી 250 શેરમાં અપર સર્કિટ અને 191 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
સેન્સેકસ 850 અંકોના ઉછાળે 56,627ના સ્તરે અને નિફટી 50 ઈન્ડેકસ 242 અંક ઉપર 16,905ના સ્તરે કામકાજ કરી રહ્યાં છે.બેંક નિફટી ઈન્ડેકસ આજની તેજીને લીડ કર્યું છે.ઈન્ડેકસ 2%ના ઉછાળે 35,700ને પાર નીકળ્યું છે જ્યારે એચડીએફસી બંધુ અને એક્સિસ, ICICI, કોટક તેજીના મૂડમાં છે.
ક્રૂડની ચાલ પર નજર કરીએ તો બ્રેન્ટ ક્રૂડ 101 ડોલરની આસપાસ ટકવાનો પ્રયાસ કરી રહ્યું છે.એક સપ્તાહ અગાઉ રશિયા-યુક્રેન વચ્ચે સ્થિતિ વણસતા બ્રેન્ટ ક્રૂડ 130 ડોલરને પાર નીકળ્યું હતુ અને ગઈકાલના સેશનમાં 95 ડોલરના 3 સપ્તાહના એટલેકે યુદ્ધની શરુઆતના દિવસોના તળિયે પહોંચ્યું હતુ.
વૈશ્વિક સ્તરે સોના-ચાંદી અને ક્રૂડમાં પીછેહઠના માહોલ વચ્ચે ઈક્વિટી બજાર રીબાઉન્ડ થઈ રહ્યાં છે.જોકે આ તેજી કેટલી મજબૂત છે તે કોન્સોલિડેશનના તબક્કા અને રેન્જ પર જ નિર્ભર કરશે.


