જામખંભાળીયા તા.2 : ખંભાળિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને આ પંથકના આહીર અગ્રણી મેરામણભાઈ ગોરીયાને ગઈકાલે કોરોના હોવાનો પોઝિટિવ રિપોર્ટ સાંપડતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાની લાગણી પ્રસરી છે.
ખંભાળિયા તાલુકાને કર્મભૂમિ ધરાવતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના વતની મેરામણભાઈ મારખીભાઈ ગોરીયા છેલ્લા ઘણા દાયકાઓથી સુરત ખાતે સ્થાયી થયા છે. મુખ્યત્વે અહીંના દેશી ઘી ઉપરાંત બાંધકામ ક્ષેત્રે ઊંચું નામ ધરાવતા અને અગ્રણી વેપારી તથા બિલ્ડર મેરામણભાઈ ગોરીયા ખંભાળિયા- ભાણવડ પંથકના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે.
હાલ સુરત ખાતે સ્થાયી થયેલા મેરામણભાઈ છેલ્લા દિવસોમાં તેમની ઓફિસે કેટલા કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવી ગયા બાદ તેમને કોરોનાના લક્ષણો જણાતા સુરતની ખાનગી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના અંગેનો રિપોર્ટ કરાતા ગઈકાલે તેમને કોરોના હોવાનું જાહેર થયું હતું. આ રિપોર્ટ પછી મેરામણભાઈના ધર્મપત્ની તથા પુત્રો વિગેરેના પણ કોરોના અંગેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે તમામને પરિસ્થિતિ સંપૂર્ણપણે ભયમુક્ત છે.
ખંભાળિયા પંથકના અગ્રણી અને માજી મંત્રી જેસાભાઈ ગોરીયાના લઘુબંધુ મેરામણભાઈને કોરોના હોવાની વાત વાયુવેગે આ પંથકના પ્રસરી જતા તેમના શુભેચ્છકો- સંબંધીઓને દ્વારા ફોન ઉપર પૃચ્છા કરી, તેઓ ઝડપથી સાજા થઈ જાય તે માટેની શુભકામના પાઠવવામાં આવી.


