ઉત્તર પ્રદેશમાં ઓલમોસ્ટ ગયા વર્ષ જેટલા જ 1.8 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ
એજન્સી > નવી દિલ્હી
સુગર મિલોના સંગઠને ચાલુ માર્કેટિંગ વર્ષ 2019-20 માટે ખાંડ ઉત્પાદનનો અંદાજ 2 ટકા વધારીને 2.65 કરોડ ટન કરી દીધો છે. જોકે તેમ છતાં ગયા વર્ષ કરતાં તે ઘણો ઓછો જ છે. સ્થાનિક માંગને પહોંચી વળે તેટલો આ અંદાજ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)એ નવેમ્બરમાં ખાંડ ઉત્પાદનનો અંદાજ 2.6 કરોડ ટન આપ્યો હતો, જે વધારીને હવે 2.65 કરોડ ટન કરી દીધો છે. ગયા વર્ષે 3.31 કરોડ ટન ઉત્પાદન થયું હતું. ખાદ્ય મંત્રાલયના સીનિયર અધિકારીએ 24 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે 2.7 કરોડ ટન જેવું ઉત્પાદન થશે. 15 ફેબ્રુઆરી સુધીમાં 1.7 કરોડ ટન ખાંડનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. ભારતમાં ખાંડનો વાર્ષિક વપરાશ 2.6 કરોડ ટન છે. આમ, સ્થાનિક માંગ પૂરી કરવા પૂરતું ઉત્પાદન થઈ રહેશે.
ISMAએ કહ્યું હતું કે ખાંડનું ઉત્પાદન થોડું વધવાની સંભાવના છે તે જોતા તેણે અંદાજ વધાર્યો છે. B-હેવી મોલાસીસ અને શેરડીના રસમાંથી ઈથેનોલનાં ઉત્પાદનને ધ્યાનમાં લઈને આ અંદાજ અપાયો છે. આ ઉપરાંત બીજા અંદાજ અનુસાર ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 1.18 કરોડ ટન થવાનો અંદાજ છે, જે ઓલમોસ્ટ ગયા વર્ષના ઉત્પાદન જેટલો જ છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન 40 ટકા ઘટીને 62 લાખ ટન થવાનો અંદાજ છે. ગયા વર્ષે ત્યાં 1.07 કરોડ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. એ જ રીતે કર્ણાટકમાં પણ ઉત્પાદન 21 ટકા ઘટીને 33 લાખ ટન થવાનો અંદાજ છે. અન્ય રાજ્યોમાં ઉત્પાદનના અંદાજમાં ખાસ કોઈ ફર્ક પડ્યો નથી. ઈથેનોલ સપ્લાય અંગે ISMAએ કહ્યું હતું કે પ્રથમ ટેન્ડરમાંથી B-હેવી મોલાસીસમાંથી 61.63 કરોડ લિટર ઈથેનોલ બન્યું છે અને શેરડીના રસમાંથી 10.60 કરોડ લિટર ઈથેનોલ બન્યું છે. બીજું ટેન્ડર અંતિમ તબક્કામાં છે. વધુ કેટલાક સપ્લાય કોન્ટ્રેક્ટ થશે તેવી શક્યતા છે. તેણે કહ્યું હતું કે ચાલુ વર્ષના અંતે 1 કરોડ ટન ખાંડનો સ્ટોક રહેવાની ધારણા છે. સરકાર 40 લાખ ટનનો બફર સ્ટોક જાળવી રાખે તો તેમાંથી 60 લાખ ટન ખાંડ માર્કેટમાં આવશે.