સુરત : સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.સુરતની હોસ્પિટલમાં બેડ નથી તો બીજી તરફ કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ સુરતમાં કમી છે.જેથી ઇન્જેક્શન મેળવવા માટે હોસ્પિટલની બહાર દર્દીના પરિવારજનો લાંબી લાંબી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે,ત્યારે સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ખાણી-પીણીની લારીઓ,ચાની દુકાન અને પાનના ગલ્લા બંધ કરાવવા માટેના આદેશ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લારી ગલ્લા અને દુકાનો ઉપર લોકોની ભીડ એકઠી થાય છે અને તેના કારણે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થાય છે અને લોકોના એકઠા થવાના કારણે કોરોનાનું સંક્રમણ વધે છે.એટલા માટે પાનના ગલ્લા અને દુકાનો બંધ કરાવવામાં આવી રહ્યા છે.જોકે આ અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા સાત દિવસ માટે ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે પાનના ગલ્લા અને લારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવી રહી છે.
સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે.તો બીજી તરફ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના બંગલાના બંને પટાવાળા,સિક્યોરિટી ગાર્ડ અને ડ્રાઇવર કોરોના સંક્રમિત થયા છે.તો બીજી તરફ કમિશનર બંછાનિધિ પાનીના પત્ની,સાસુ અને સસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા હોવાના કારણે ખુદ કમિશનર દ્વારા કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમણે ઉપરાછાપરી ત્રણ ટેસ્ટ કરાવ્યા હતા અને ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.બીજી તરફ બંછાનિધિ પાનીના પુત્ર અને પુત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.બંછાનિધિ પાની સુરત મહાનગરપાલિકાના કમિશનર હોવા છતાં પણ તેઓ હાલ કોઈને મળી રહ્યા નથી કારણ કે,તેમના પરિવારના સભ્યો કોરોના સંક્રમિત છે પરંતુ, તેમણે પોતાનું ડેઇલી વર્ક શરૂ રાખ્યું છે.
હાલ, સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં 1241 દર્દીઓની હાલત ગંભીર છે. સિવિલ હોસ્પિટલમાં 877 દર્દીઓ ઓક્સિજન પર છે અને 175 દર્દીને બાયપેપ રાખવામાં આવ્યા છે. તો સાથે જ 14 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે.