ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિતરણમાં ક્યાં ખોટું થાય કે ક્યાં ગેરરિતી થાય છે તે શોધી કાઢવા માટે અન્ન આયોગની રચના કરવામાં આવી છે.સરકારે તેના માટે ટોલ-ફ્રી નંબરની સુવિધા પણ કાર્યરત કરી છે.નાગરિકો સુધી અન્ન આયોગનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકશે.
સરકારનો આ પ્રયાસ ઉત્તમ છે પરંતુ આ કમિશનને વધુ સત્તાઓ આપીને એવાં તત્વોને કડકમાં કડક સજા થાય તેવો કાનૂન બનાવવો જોઇએ.ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારા વ્યાપારીઓ ઝડપથી છૂટે નહીં અથવા તો તેનું ખાદ્ય લાયસન્સ કાયમી રીતે જપ્ત કરી લેવામાં આવે તે પણ જરૂરી છે.એ ઉપરાંત સંગ્રહાખોરો પણ આ સમાજના દુશ્મન છે તેમને તો ફરીથી એવી સત્તા આપવી જ ન જોઇએ.
ગુજરાતમાં ભેળસેળની પ્રવૃત્તિએ માઝા મૂકી છે. હરએક ચીજમાં મિલાવટ થાય છે.ફુડ એન્ડ ડ્રગ્સની કચેરી ફરિયાદના આધારે તપાસ કરે છે પછી તે તોડપાણી કરી લેતી હોય છે એટલે જેનું શટર પડી ગયું હોય એનું શટર એક વિકમાં પાછું ઉપર ઉઠે છે.હપ્તાબાજ કર્મચારીઓ અને ઇન્સ્પેક્ટરોને સબક શિખવવા માટે સરકારે નવો કિમિયો અજમાવવો પડશે.
ગુજરાતમાં દવા અને ખોરાકની ચીજોમાં ભેળસેળ માટે આરોગ્ય વિભાગની નિરગાનીમાં ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરી બનાવવામાં આવી છે.આ કચેરીની ખાસિયત એ છે કે શરૂઆતથી જ તેને સ્ટાફ ઓછો આપવામાં આવ્યો છે તેથી આ મર્યાદિત સ્ટાફ પુરતાં સેમ્પલો લઇ શકતું નથી કે ગુનેગારોને સજા કરવાનો રિપોર્ટ બનાવી શકતું નથી. સ્ટાફના અભાવે સંખ્યાબંધ અરજીઓ દફતરે થઇ જતી જોવા મળે છે.
રાજ્ય સરકારે અન્ન અને નાગરિક પુરવઠામાં ભલે ટોલ ફ્રી નંબર સુવિધા શરૂ કરી હોય,જ્યાં સુધી વિભાગ પાસે પુરતો સ્ટાફ નહીં હોય ત્યાં સુધી અસરકારક ચેકિંગ થવાનું નથી. સરકારે આ વિભાગ અને આરોગ્ય વિભાગમાં ઘુસી ગયેલા ભ્રષ્ટાચારને દૂર કરવો જોઇએ.અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગ્રાહકોની બાબતોનો વિભાગ તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એકબીજાથી એક બાબતમાં જોડાયેલા છે અને તે છે ખાદ્યચીજ વસ્તુઓ.. કે જે ત્રણેય વિભાગોને અસર કરે છે.
નવરચિત અન્ન આયોગ નિષ્કામ ભાવે વોચડોગ તરીકેનું કાર્ય કરીને અન્ન-પૂરવઠામાં વિતરણ, ઉપલબ્ધિમાં ક્યારેય કોઇ ગેરરીતિ, ખોટું ન થાય તે રીતે કાર્યરત થવાનું છે.રાજ્યના ગરીબ,વંચિત,પીડિત,અંત્યોદય,BPL કે સાડા છ કરોડ નાગરિકોમાંથી કોઇને પણ અનાજ ન મળે – પૂરતું ન મળે તો આ આયોગમાં સીધી જ ફરિયાદ કરી શકશે.ફૂડ કમિશન ટોલ ફ્રી નંબર પણ આ હેતુસર સેવારત કરશે.
અંતરિયાળ વિસ્તારો સહિત રાજ્યમાં અન્ન-પૂરવઠો સરળતાએ પહોંચે તેવી વ્યવસ્થા 17,250 જેટલા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર મારફતે કરવામાં આવી છે.આ ભંડાર પરથી અનાજ-પૂરવઠો મેળવતા 3 કરોડ 84 લાખ જેટલા લાભાર્થીઓનું આધાર લિકિંગ કરવામાં ગુજરાત અગ્રેસર છે.
ગરીબ પરિવારો માટેનું સસ્તુ અનાજ આજે પણ પ્રાઇવેટ દુકાનોમાં ઉંચા ભાવે વેચાય છે.બીપીએલ કાર્ડધારકોને સમયસર અનાજ નહીં આપીને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ખાનગી વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી લેતાં હોય છે જેથી સરકારનો ઉદ્દેશ માર્યો જાય છે.સરકારે અન્ન પુરવઠા ઉપરાંત તેની ફુડ એન્ડ ડ્રગ્સની કચેરીને વધારે મજબૂત બનાવવી જોઇએ.આ કચેરીનો કર્મચારી ફાયર બ્રિગેડમાં કામ કરતો હોય તે ઝડપે ફરિયાદની ફરિયાદ પર તપાસ શરૂ કરતો હોવો જોઇએ.


