મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ,ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરે કર્યો એનો ઉગ્ર વિરોધ:સોમવારે બપોરે ચેમ્બરની ઑફિસમાં રાજ્યભરના વેપારીઓની મીટિંગમાં આગળની રણનીતિ જાહેર થશે તાજેતરમાં જીએસટી કાઉન્સિલે પ્રી-પૅક્ડ પનીર,દહીં,માખણ,અનાજ-કરિયાણાં પર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેતાં દેશમાં મોંઘવારી વધશે અને નાના વેપારીઓના બિઝનેસ ખતમ થઈ જશે.આથી ખાદ્ય પદાર્થો પર લાદવામાં આવનારા જીએસટીનો મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ,ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરે ઉગ્ર વિરોધ કર્યો છે અને રાજ્યભરમાં પ્રસ્તાવિત જીએસટીના વિરોધમાં આંદોલન શરૂ કરવાની તૈયારી કરી છે.સોમવાર, ૧૧ જુલાઈએ બપોરે ત્રણ વાગ્યે ચેમ્બરની ઑફિસમાં રાજ્યભરના વેપારીઓની મીટિંગમાં આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે.
આ માહિતી આપતાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ લલિત ગાંધીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત એ સમયના નાણાપ્રધાન અરુણ જેટલીએ આશ્વાસન આપ્યું હતું કે ખાદ્ય પદાર્થો પર જીએસટી લાગુ કરવામાં આવશે નહીં.ત્યાર પછી પહેલાં બ્રૅન્ડેડ ખાદ્ય પદાર્થો અને અનાજ-કરિયાણાં પર જીએસટી લાગુ કરવામાં આવ્યો.હવે નૉન-બ્રૅન્ડેડ ખાદ્ય પદાર્થોને પર પણ પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો છે જે આમજનતા સાથે અને વેપારીઓ સાથે અન્યાયકર્તા છે.ઑલરેડી આમજનતા મોંઘવારીનો માર ઝીલી રહી છે.એમાં નવો જીએસટી લોકોની કમર તોડી નાખશે.આથી અમે હવે પ્રસ્તાવિત જીએસટીને હટાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.આ બાબતની રણનીતિ અમે સોમવાર,૧૧ જુલાઈએ ચેમ્બરની કાલા ઘોડાની ઑફિસમાં રાજ્યભરના વેપારીઓ સાથે મીટિંગ કરીને જાહેર કરીશું.’

