અમદાવાદ : જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ખાનગીકરણ મારફત જંગી નાણાં ઊભા કરી શકાય માટે સરકારે આવા ઉપક્રમોના વેલ્યુએશનમાં બને એટલો વધારો કરવા પ્રયત્નો શરૂ કર્યા છે.
કોરોનાને કારણે દેશની રાજકોષિય ખાધ પર આવી પડેલા દબાણને હળવું કરવા સરકાર વિવિધ સ્રોતો મારફત નાણાં ઊભા કરવા યોજના ધરાવે છે જેમાંની એક યોજના જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ખાનગીકરણની પણ છે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
જાહેર ક્ષેત્રની કંપનીઓની માર્કેટ કેપ વધારવા તથા તેના દ્વારા ડિવિડન્ડની પણ વધુ ચૂકવણી કરવામાં આવે જેથી આગામી નાણાં વર્ષથી તેમની ઈક્વિટીઝ વેચી વધુ નાણાં ઊભા કરવાનું આસાન રહે.સામાન્ય રીતે સરકારી ઉપક્રમો ઉત્પાદન તથા આવક વધારવા પર વધુ ધ્યાન આપતી હોય છે.કાર્યક્ષમતા અને મૂલ્યાંકન વધારવા પર ખાસ ભાર અપાતો નથી.જેને કારણે એકંદર બજારની સરખામણીએ આવા ઉપક્રમોના શેર ભાવ નીચા જોવા મળે છે.
બદલાતા વેપાર વાતાવરણ વચ્ચે કંપનીઓએ તેમના મૂલ્યાંકન તથા નફાશક્તિ વધારવી જોઈએ.આમ થશે તો જ આવી કંપનીઓના સારા શેરભાવ મળી રહેશે,એમ સરકારે તૈયાર કરેલા એક મુસદ્દામાં નોંધવામાં આવ્યું છે.
જાહેર ક્ષેત્રના ઉપક્રમો જેમ કે,ઓએનજીસી,આઈઓસી,બીઈએમએલ જેવા ઉપક્રમોમાંના પોતાના હિસ્સાનું વેચાણ કરી ૨૦૨૪ સુધીમાં સરકાર રૂપિયા ૩.૨૫ ટ્રિલિયનની રકમ ઊભી કરવા યોજના ધરાવે છે એમ સુત્રોએ જણાવ્યું હતું.
કેટલીક કંપનીઓમાં હિસ્સાનું વેચાણ કરવા સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે.વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૧.૨૦ ટ્રિલિયનના ટાર્ગેટ સામે સરકાર માત્ર દસ ટકા જ રકમ ઊભી કરી શકી છે.

