નવી દિલ્હી : કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે દિલ્હીના પાદરમાં ખેડૂતોનું 20 દિવસથી આંદોલન જારી છે. દિલ્હી અને ઉત્તરપ્રદેશની બોર્ડર પર મંગળવારે આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે તંગ સ્થિતિ સર્જાઈ હતી.ચિલ્લા બોર્ડર પર ધરણાં પર બેઠેલા ખેડૂતોએ પોલીસને ચકમો આપીને દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને જવાનો સર્તક થઈ ગયા હતા.તેની સાથે દિલ્હી પોલીસે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે બેરીકેટસ લગાવીને નોઈડાથી દિલ્હી તરફની અવરજવર બંધ કરાવી દીધી હતી.બીજીબાજુ નોઈડા પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી.તેમ જ ખેડૂતોને દિલ્હી તરફ જતા અટકાવી દીધા હતા. આ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમકની સ્થિતિ સર્જાતા વાતાવરણ તંગ થયું હતું.આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
નર્કાગારની સ્થિતિ : સિંઘુ બોર્ડર પર સફાઈ અને પાણીની અછતથી ખેડૂતો નારાજ
દિલ્હીમાં તાજેતરમાં કમોસમી વરસાદ અને પાણીના ટેન્કરના કારણે સિંઘુ બોર્ડર બંને બાજુ પાણીના ખાબોચિયા અને કાદવકીચડની સ્થિતિ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.લંગર બાદ આસપાસ ફેંકવામાં આવતી ડિશો,પાણીના બોટલોના કારણે ગંદકી પણ વધવા પામી છે.તેની સાથે અહીંયા મુકવામાં આવેલા મોબાઈલ શૌચાલયોમાં પાણીની તંગીના કારણે તો કેટલાકના દરવાજા ન હોઈ નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે.

