દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનનો આજે રવિવારે 11મો દિવસ છે.સાથે જ ખેડૂતોએ આગામી 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે.બીજી બાજુ,આંદોલન અંગે નવી રણનીતિ નક્કી કરવા માટે ખેડૂત સંગઠનોની બેઠક મળી છે.આ બેઠકમાં આગામી યોજનાઓ અંગે ચર્ચા થશે.
કોંગ્રેસે ખેડૂતોએ આપેલા ભારત બંધને સમર્થન આપવાની વાત કરી છે. પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે,અમે આંદોલનના સમર્થનમાં પાર્ટી ઓફિસે પ્રદર્શન કરીશું. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર રાવે પણ ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે.અગાઉ ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું હતું કે,પાર્ટી મજબૂતાઇથી ખેડૂતો સાથે ઊભી છે અને ભારત બંધમાં તેમને સંપૂર્ણ સમર્થન આપશે.
આ અંગે કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ વિપક્ષને આડેહાથ લીધો છે.તેમણે વિપક્ષ પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ મૂકતાં કહ્યું કે,દેશના ખેડૂતોને નવા કાયદાથી લાભ જ થશે,પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારો તેમને ભડકાવે છે.
ખેડૂતોના આગેવાનોએ શનિવારે કેન્દ્ર સાથે પાંચમી વખત વાતચીત કરી હતી.સતત પાંચમી વાટાઘાટમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો સરકાર પાસેથી કૃષિ કાયદાને પરત ખેંચવાની સ્પષ્ટ માગ કરી રહ્યા છે.તેઓ સરકારનો હા અથવા ના માં જ જવાબ માગી રહ્યા છે.કેન્દ્ર સરકારે ખેડૂતોને 9મી ડિસેમ્બરે વધુ વાતચીત કરવા આણંત્રણ આપ્યું છે.