– દાહોદના ઝાલોદમાં રહેતા વર્ગ-3ના નિવૃત્ત કર્મી પાસે આવક કરતાં 334.88 % વધુ મિલકતો તપાસમાંં ખુલી
– જમીન વિકાસ નિગમના 19 અધિકારીઓએ ખેત તલાવડી- પાણીના ટાંકાની કામગીરી કાગળ પર બતાવી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો
વલસાડ : વલસાડ જિલ્લામાં 2015-16 દરમિયાન અંતરિયાળ ગામડાઓમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેત તલાવડી અને પાણીના ટાંકાની યોજનામાં ઘરમપુર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીના અધિકારીઓ દ્વારા લાખોનો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો હતો.
લાભાર્થીઓની જાણ બહાર માત્ર ચોપડે જ ખેત તલાવડીઓ દર્શાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતાં એસીબીએ 19થી વધુ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન દાહોદના ઝાલોદના મુળ વતની અને આ કચેરીના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત મામલે એસીબીએ હાથ ધરેલી ઝિણવટભરી તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.આ ભ્રષ્ટ અધિકારી પાસે રૂ.3.41 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર,કપરાડા,ઉમરગામ તાલુકાના ગામોમાં ધરમપુર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીના લાંચિયા અધિકારીઓ દ્વારા ખેત તલાવડી અને પાણીના ટાંકાની યોજનાનો ખેડૂતોને લાભ આપવાના બદલે તેમની જાણ બહાર બારોબાર લાભાર્થીઓના નામે લાખો રૂપિયાની યોજના દર્શાવી જિલ્લામાં લગભગ દોઢ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર એસીબીએ ઝડપી પાડયો હતો.જેમાં સંડોવાયેલા કચેરીના નિયામક,ફિલ્ડ ઓફિસરો,સુપરવાઇઝરો,કોન્ટ્રાક્ટરો મળી 19 થી વધુ આરોપી વિરૂધ્ધ એસીબીએ લાંચરૂશ્વત પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરાયા બાદ ઝડપી તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં ધરમપુરની જમીન વિકાસ નિગમની કચેરીમાં વર્ગ-3ના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના સર્વોદયનગરના વતની સુરેશ રમણભાઇ કિશોરી વિરૂદ્ધ નવસારી એસીબીમાં 2 ગુના નોંધાયા હતા. આ કર્મચારી સામે કરોડોની અપ્રમાસર મિલકત અંગે તપાસ કરવા એસીબીને અરજી મળી હતી,જેની ખૂબ બારિકાઇથી એસીબીએ તપાસ કરી હતી.એસીબીની તપાસમાં આક્ષેપિત કર્મચારીના દસ્તાવેજી પૂરાવાઓ ભેગા કરાતા તેની ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલી કુલ આવક રૂ.1,32,74,202 સામે ખર્ચ અને રોકાણ કુલ રૂ.4,74,42,539 થયેલું બહાર આવ્યું હતું.જે તેમની કાયદેસરની આવકની સરખામણીમાં રૂ. 3,41,68,337 જેટલી વધારે મિલકતો નિકળી હતી.
આવક સામે મિલકતોની ટકાવારી 334.88 ટકા વધુપ્રમાણમાં બહાર આવી હતી.આ કર્મચારી વિરૂધ્ધ તપાસ અધિકારી સુરત ગ્રામ્ય એસીબી પીઆઇ આર.કે.સોલંકીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સુરેશ રમણભાઇ કિશોરી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બે પુત્રોને નિગમના કોન્ટ્રાક્ટર દર્શાવી બેંક ખાતામાં માતબર રકમ ટ્રાન્સફર કરી
આક્ષેપિત નિવૃત્ત ફિલ્ડસુપરવાઇઝર સુરેશ કિશોરીની પ્રથમ પત્નીના 5 સંતાનો પૈકી 2 પૂત્રોને ગુજરાત જમીન વિકાસ નિગમ લિ.માં ગેંગ લીડર કે કોન્ટ્રાક્ટર તરીકે દર્શાવી તેઓના બેંક ખાતાઓમાં માતબર રકમ ટ્રાન્સફર કરી ભ્રષ્ટાચાર આચર્યો છે.જે મામલે ગુનો નોંધી તપાસ હાલમાં ચાલૂ છે.
2012 થી 2018ના ગાળામાં આવક જાવક
સુરેશ કિશોરી દ્વારા 1 એપ્રિલ 2012થી 30 જૂન 2018 સુધીના સમયગાળામાં કુલ રૂ.1,21,85,898 રોકડા તેમના જૂદા જૂદા બેંક એકાઉન્ટોમાં જમા કરાવાયા હતા. તેના દ્વારા રોકડ રૂ.2,08,09,550 પોતાના નામે જંગમ મિલકત ખરીદી ખર્ચ પેટે તથા અન્ય ખર્ચ, રસોડા ખર્ચની ચૂકવણી કરી છે.આ દરમિયાન બેંક ખાતાઓમાંથી રોકડ રૂ.3,97,82,981 રકમ ઉપાડી હતી.