– આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭ અધિકારીઓની કમિટીની રચના
– દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ છે
– ફરિયાદ લાંબો સમય પડતર રહે નહિ
– કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે
– સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે
– વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે
– જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ
– દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે
– ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે
– વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
– સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે
– આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે
ગાંધીનગર : રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઐતિહાસિક નિર્ણય લેતા ભૂમાફિયાઓને અંકુશમાં લઇને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર કરી છે.સામાન્ય માનવી,ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સંકજો કસવાની CM વિજય રુપાણી સરકારની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં આજથી કાયદાનો કડક અમલની શરુઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો હતો.જે અનુસંધાને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ આજે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે રાજ્યમાં ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ આજથી અમલમાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે સરકારે ભૂમાફિયાઓને ડામવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.જે અંતર્ગત 7 અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે.આ પ્રકારના કેસની રજૂઆત કલેક્ટરને કરવાની રહેશે.ત્યારબાદ સમિતિ આ કેસ વાજબી છે કે ગેરવાજબી તે અંગેની જરૂરી તપાસ કરી 21 દિવસમાં જો ફરિયાદ વાજબી હોય તો પોલીસને કાર્યવાહી કરવા જણાવશે.પોલીસે આવા કેસમાં 7 દિવસમાં એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. આ પ્રકારના કેસનું નિરાકરણ લાવવા માટે હવે વર્ષો સુધી રાહ જોવી પડશે નહીં. આ કેસનો નિકાલ 6 મહિનામાં આવી જશે.
ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ ૨૦૨૦ની જોગવાઇ મુજબ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી,અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પૂરું પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ ૧૦ થી ૧૪ વર્ષ સુધીની કેદ અને જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે. આ ઉપરાંત આવી હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/ હસ્તક લેનારાની પણ એટલી જ સજા થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી,સામાન્ય ખેડૂતોની,ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે.
રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલની અનૂમતિથી આ વિધેયકને એક્ટનું સ્વરૂપ મળતાં તેની કાયદાકીય જોગવાઇઓ-નિયમોનો હવે મુખ્યમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.