– ૩ માસ વીતવા છતાં પંચાયત દ્વારા માહિતી આપવામાં આવી નથી.
ચીખલી : ચીખલી તાલુકાના થાલા,ખૂંધ,આલીપોર,સમરોલી અને ચીખલી એમ પાંચ જેટલા તાલુકા મથકની આસપાસના ગામોમાં ગેરકાયદેસર બાંધકામોની દિન-૭માં માહિતી આપવાની ટીડીઓની લેખિત સુચનાને ત્રણ માસ વીતવા છતાં પણ તલાટી દ્વારા પૂરતી માહિતી આપવામાં આવી નથી.ત્યારે સૂચના માત્ર નામ પૂરતી જ આપવામાં આવી છે કે પછી તલાટીઓને ટીડીઓની સુચનાની કોઈ ગંભીરતા જ નથી તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ચીખલીના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગત તા.૨૬-ઓક્ટોબરના રોજ તાલુકા મથક ચીખલી ઉપરાંત ખૂંધ,થાલા,સમરોલી અને આલીપોર એમ પાંચ જેટલી ગ્રામ પંચાયતના તલાટીઓને ગેરકાયદેસર બાંધકામો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા અનઅધિકૃત બાંધકામો દૂર કરવા, બિન ખેતીની હુકમની શરતનો ભંગ થતો હોય તો શર્ટભાંગની કાર્યવાહી કરવા વિગતવાર માહિતી સાથેનો અહેવાલ દિન-૭ માં રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.જોકે ટીડીઓની સુચનાને ત્રણ માસ વીતવા છતાં પૂરતી માહિતીઓ તાલુકા પંચાયતમાં ઉપલબ્ધ થવા પામી ન હતી.ત્યારે ટીડીઓની સુચનાને પણ તલાટીઓ ધોળી ને પી ગયા કે શું તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.ચીખલીને અડીને આવેલા ગામમાં મુખ્ય રોડને અડીને ૧૨-મીટર સુધીની ઊંચાઈની મર્યાદામાં જ બાંધકામ કરવાની ગ્રામ પંચાયતની પરવાનગી હોવા છતાં ૧૨-મીટર કરતા વધુ ઊંચાઈમાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે.પાણીના નિકલનું કુદરતી વહેણમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો છે.ઉપરાંત ખરાબાની જગ્યામાં પણ બાંધકામ કરવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામમાં ગ્રામ પંચાયત દ્વારા આકરણી કરી એન.ઓ.સી પણ આપી દેવાતી હોય છે.
તલાટીઓ દ્વારા અર્ધમાહિતી આપવામાં આવી છે
આયોજન સહ ટીડીઓ હિરેનભાઈ ચૌહાણના જણાવ્યાનુસાર ચીખલી તથા આસપાસના પાંચ ગામોમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે કાર્યવાહી કરવા તથા શરત ભંગની કાર્યવાહી કરવા માટે તલાટીઓ પાસે માહિતી માંગવામાં આવી હતી.જેમાં તલાટીઓ દ્વારા અર્ધમાહિતી આપવામાં આવી છે.બાકી માહિતી માટે સર્કલ ને સૂચના આપવામાં આવી છે.