વલસાડ, 30 જૂન : જિલ્લામાં ચોમાસામાં જૂન મહિનામાં પડતા સરેરાશ વરસાદ સામે આ વખતે 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં અને આમ નાગરિકોમાં ચિંતા પ્રસરી છે. આવી જ પરિસ્થિતિ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છે.ચોમાસાની સિઝનની શરૂઆત થયાની સાથે દર વખતે આ વિસ્તારમાં જેટલો વરસાદ જૂન માસમાં પડે છે તેની સામે આ વખતે અનુક્રમે 37 ટકા અને 55 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.આ વિસ્તારમાં મોટાભાગે ડાંગરની ખેતી થાય છે.એ સિવાય તુવેર,અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં જ રાજ્યની આફત સમા વાવાઝોડાને કારણે વરસાદ વરસતા મોટાભાગના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. પરંતુ તે બાદ વરસાદ વરસ્યો નથી.
રાજ્યમાં વલસાડ જિલ્લો ચેરાપૂંજીનું બિરુદ પામ્યો છે.દર વર્ષે જૂન માસની 29મી જૂન સુધીમાં અહીં સરેરાશ 358.6 mm વરસાદ વરસે છે.જ્યારે આ વખતે માત્ર 177 mm વરસાદ વરસ્યો છે.એ જ રીતે દાદરા નગર હવેલીમાં અને દમણમાં 29 જૂન સુધીમાં સરેરાશ 330 mmથી 268 mm વરસાદ વરસે છે.જે આ વખતે અનુક્રમે 208.7 mm અને 122 mm વરસાદ જ વરસ્યો છે. એક તરફ 29મી જૂને વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પોતાની છડી પોકારી છે અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદે ધીમીધારે વરસવાનું શરૂ કર્યું છે.જેને કારણે ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.જે બાદ સોમવારે સવારે અસહ્ય બફારા સાથે મેઘરાજાએ મેઘના મંડાણ કર્યા હતાં.વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.વાપીમાં વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાવાના બનાવો બન્યાં હતાં.એમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના ઇસ્ટ-વેસ્ટ વિસ્તારને જોડતો રેલવે અન્ડરપાસ પાણીમાં તરબોળ થયો હતો.એ સિવાય વિવિધ વિસ્તારોમાં ગટર અને પાણીની પાઇપલાઇન માટે કરેલા ખોદકામની નરમ માટીમાં કેટલાક વાહનો ફસાયા હતા.


