અમદાવાદ : અમદાવાદ શહેરના સાત ઝોન અને રોડ-બ્રીજ પ્રોજેકટ હેઠળ ચાલતા રોડના કામમાં ગત વર્ષની તુલનામાં વધુ મટીરીયલ વપરાયુ હોવા છતાં ૩૧૬ રોડના કામ પૈકી ૨૮ જુનની સ્થિતિએ ૩૧૮ કરોડના ખર્ચ સાથેના ૧૩૨ રોડના કામ હજુ પણ પ્રગતિ હેઠળ છે.વીસ જુન બાદ રોડના કામ બંધ કરવાની સત્તાધીશોએ કરેલી જાહેરાતને જોતા બાકી રહેલા કામ ચોમાસા બાદ પુરા થશે એવી સંભાવના છે.રોડ કમિટીની બેઠકમાં આર.કે.સી.ઈન્ફ્રા બિલ્ટને રોડના કામ બાકી હોવા છતાં ૨૬ કરોડનો ભાવ તફાવત આપવા અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાત ઝોન અને રોડ-બ્રીજ પ્રોજેકટ હેઠળ ૨૧૩૯૮૫ મીટર લંબાઈના ૩૧૬ રોડ ૪૪૫.૦૮ કરોડના ખર્ચે બનાવવા આયોજન કરવામાં આવ્યુ છે.પહેલી એપ્રિલ-૨૦૨૨ બાદ ૨૭ જુન-૨૦૨૨ની સ્થિતિએ ૮૬૫૮૪ મીટર લંબાઈના ૧૮૪ રોડ ૧૨૬.૮૪ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.સાત ઝોન તથા રોડ,બ્રીજ પ્રોજેકટ હેઠળના ૧૨૭૪૦૧ મીટર લંબાઈના ૧૩૨ રોડ ૩૧૮.૨૪ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ હોવાની વિગત રોડ કમિટીની મળેલી બેઠકમાં આપવામાં આવી હતી.ગત વર્ષે પહેલી એપ્રિલ-૨૦૨૧ થી ૨૮ જુન-૨૦૨૧ સુધીમાં રોડની કામગીરી માટે કુલ ૮૬૪૦૬ મેટ્રીકટન મટીરીયલનો વપરાશ કરવામાં આવ્યો હતો.આ વર્ષે પહેલી એપ્રિલ-૨૦૨૨થી ૨૮ જુન-૨૦૨૨ સુધીમાં ૨,૨૫, ૧૮૦.૩૩૦ મેટ્રીક ટન મટીરીયલનો વપરાશ રોડની કામગીરી માટે કરાયો છે.આમ છતાં હાલમાં ૧૩૨ રોડની કામગીરી ચાલી રહી છે.
રોડ કમિટીની બેઠકમાં વર્ષ-૨૦૨૦માં રોડ પ્રોજેકટ હેઠળ અંદાજીત ભાવથી ૩૪ ટકા વધુ ભાવ સાથે ૫૩૬.૦૩ કરોડના રોડના કામ આર.કે.સી.ઈન્ફ્રા બિલ્ટ નામના કોન્ટ્રાકટરને આપવામાં આવ્યા હતા.આ કોન્ટ્રાકટરને આપવામાં આવેલા રોડના કામ હજુ પણ પુરા થયા ના હોવા છતાં ભાવ તફાવત પેટે આ કોન્ટ્રાકટરને ૨૬ કરોડનો વધારો આપવાની દરખાસ્ત મંજુર કરાઈ હોવાનું કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ કહ્યુ છે.


