નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી : ગલવાન ખીણમાં ચીન અને ભારતની સેનાઓ વચ્ચે 2020માં લોહિયાળ સંઘર્ષ થયો હતો.એ પછી ચીન પોતાના સૈનિકોના મોતનો આંકડો છુપાવવા માટે ધમપછાડા કરી રહ્યુ છે.હવે વધુ એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે,ચીને પોતાના સૈનિકોના મોતનો આંકડો ઓછો બતાવ્યો હતો.હકીકત એ છે કે,આ ઘર્ષણ દરમિયાન ચીનના સેંકડો સૈનિકો નદીમાં વહી ગયા હતા અને ઓછામાં ઓછા 38 ચીની સૈનિકો આ ઘર્ષણમાં મોતને ભેટયા હતા.
ઓસ્ટ્રેલિયન અખબાર ધ ક્લેક્સનમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ગલવાન ખીણમાં ટકરાવ દરમિયાન 38 ચીની સૈનિકો નદીમાં ડુબી ગયા હતા પણ ચીને માત્ર ચાર સૈનિકોના મોતની વાત કરી હતી.ઘણી બધી વસ્તુઓ ચીને છુપાવી હતી અને ચીને દુનિયાને મનઘડંત કિસ્સા જણાવ્યા હતા.ચીનના અધિકારીઓએ મોતનો સાચો આંકડો દર્શાવતા ઘણા બ્લોક અને પેજ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધા હતા પણ ચીનમાંથી જે ડિજિટલ આર્કાઈવ્સ મળ્યા છે તે અલગ જ વાત કહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,ભારત અને ચીન વચ્ચે 2020માં જુન મહિનામાં ટકરાવ થયો હતો અને ચાર દાયકામાં પહેલી વખત બે દેશની સેના વચ્ચે લોહી રેડાયુ હતુ.ચીને આ ઘર્ષણ બાદ ચાર જવાનોના મોતની વાત કબૂલી હતી પણ આ આંકડો ઘણો વધારે હતો.
આ અહેવાલમાં કહેવાયુ છે કે,ચીન એપ્રિલ 2020 બાદ સતત ભારત સાથેના કરારનો ભંગ કરીને બફર ઝોનમાં પેટ્રોલિંગ તેમજ ગેરકાયદે બાંધકામો કરી રહ્યુ હતુ.બીજી તરફ ભારતીય જવાનોએ ગલવાન નદી પર કર્નલ સંતોષ બાબૂના નેતૃત્વમાં પુલ બનાવવાનુ શરુ કર્યુ ત્યારે ચીની સૈનિકોએ તેનો વિરોધ કર્યો હતો.6 જુન, 2020ના રોજ ચીની સૈનિકો આ પુલ તોડવાનો પ્રયાસ કરવા માટે આગળ આવ્યા ત્યારે 100 ભારતીય જવાનો પુલ બચાવવા માટે તેમનો સામનો કરવા ધસી ગયા હતા.
એ પછી બંને સેના વચ્ચે સમાધાન થયુ હતુ કે,બફર ઝોનમાંથી બંને દેશો સેના પાછી હટાવશે.જોકે ચીને તેનુ પણ ઉલ્લંઘન કર્યુ હતુ.15 જુને જ્યારે સંતોષ બાબૂના નેતૃત્વમાં ભારતીય સૈનિકો ચીનની હિલચાલ જોવા માટે ગયા ત્યારે તેમના પર ચીની સૈનિકોએ હુમલો કરી દીધો હતો.

