સુરત : આર્થિક સ્થિતી કથળતા લોન પર લીધેલી કાર વેચવા આપનાર સુરતના સરથાણાના પાનના ગલ્લો ધરાવતા યુવાન સાથે ઠગાઈ કરી કાર સગેવગે કરવાના પ્રકરણમાં સરથાણા પોલીસે સુરેન્દ્રનગરના વનાળામાંથી બુટલેગરની ફિલ્મી ઢબે ધરપકડ કરી કાર પણ કબજે કરી હતી.ઉલ્લેખનીય છે કે યુવાને કાર જેને વેચવા આપી હતી તે રીઢ ગુનેગાર ધુધા ભરવાડે કાર બુટલેગરને આપી દીધી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના કુકાવાવના તોરીરામપુરના વતની અને સુરતમાં કામરેજ પાસોદરા ઓમ ટાઉનશીપ ફ્લેટ નં.જી-04 માં રહેતા તેમજ કામરેજ પાસોદરા ખાતે પાનનો ગલ્લો ચલાવતા 33 વર્ષીય નરેન્દ્ર જેઠાભાઇ હિરપરાએ આર્થિક સ્થિતી કથળતા લોન પર લીધેલી કાર વેચવા માટે ધુધાભાઇ ભરવાડ(રહે.ડાયાપાર્ક સોસાયટી,માતાવાડી,સુરત)ને આપી હતી.જોકે,ધુધા ભરવાડે કાર સુરેન્દ્રનગરના વનાળાના વિનુભાઇ લાંબરીયાને આપતા તેણે લખાણ આપ્યા વિના વેચી નાંખી ગાડી મળશે નહીં ભૂલી જાઓ તેમ કહેતા આખરે નરેન્દ્રએ બંને વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.
સરથાણા પોલીસે આ ગુનામાં ધુધા ભરવાડની ધરપકડ કર્યા બાદ કાર વિનુ પાસે હોવાની અને તે ગામમાં જ હોવાની માહિતીના આધારે અગાઉ બે વખત તેને પકડવા પ્રયાસ કર્યો હતો પણ તે ત્યાં બુટલેગર હોય પોલીસ આવે છે તેવી જાણ થતા તે ભાગી જતો હતો.આથી સરથાણા પોલીસ મથકના પીએસઆઈ એ.એન.લકુમ અને કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના ત્યાં પહોંચ્યા હતા અને વિનુ દાનુભાઈ આંબલીયા(ઉ.વ.32,રહે.વિહત માતાના મંદિર સામે,વનાળા,તા.ચુડા,જી.સુરેન્દ્રનગર)ને આંતર્યો હતો.જોકે,પોલીસ આવી હોવાની જાણ થતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને પીએસઆઈ લકુમ અને કોન્સ્ટેબલને ઘેરી લીધા હતા.પરંતુ પીએસઆઈ લકુમે સમજાવટથી કામ લઈ વિનુની ધરપકડ કરી કાર પણ કબજે કરી હતી.

