ગાંધીનગર, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : ગાંધીનગરના રતનપુર ગામની સીમમાં ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને પાંચ ઈસમોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. 52 હજાર 800 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાની સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, રતનપુર ગામની સીમમા આવેલ ખરાબાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઇ જુગારની બાઝી માંડીને બેઠા છે.જેનાં પગલે પોલીસે બાતમી વાળી જગ્યાને ચારે દિશામાંથી કોર્ડન કરીને દરોડો પાડવામાં આવતાં કુંડાળું વળીને જુગાર રમતાં ઈસમો ફફડી ઉઠયા હતા.જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરતાં તેમણે પોતાના નામ શૈલેષ અંદરજી મકવાણા(રહે. પ્રભુપુરા ઠાકોરવાસ), લલિત કાળાજી જાદવ(રહે.વલાદ પંચાયત પાછળ), ગુલાબજી ઉમેદજી ઠાકોર (રહે.રતનપુર), કેશાજી શંકાજી ઠાકોર ( રહે.વજાપુરા) તેમજ મેલાજી ઇશ્વરજી ઠાકોર (રહે.વલાદ ચકલીપુરાવાસ) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે પાંચેય જુગારીઓની અંગ ઝડતી લેતા 45 હજાર 600 ની રોકડ મળી આવી હતી.જ્યારે દાવ પરથી વધુ રૂ. 7200 મળી કુલ રૂ. 52 હજાર 800 મળી આવ્યા હતા.જો કે પાંચેય જુગારી મોબાઇલ વિના જ જુગાર રમતાં હોવાનું બહાર આવ્યું હતું.આ પાંચેયની જુગાર ધારા હેઠળ પોલીસે ધરપકડ કરી જુગારનું સાહિત્ય તેમજ રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.