ગાંધીનગર તા.8 : રાજ્યના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના ગ્રેડ પે અને વણઉકેલાયેલા પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય યોગ્ય નિર્ણય નહીં આવતા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 42 ગ્રેડ પે મુદ્દે એકત્રિત થયેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.મીડિયા સાથેની વાતચીતમાં સહસંગઠન મંત્રી,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પરેશ પટેલે જણાવ્યું હતું કે આજે શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકોના 4200 ગ્રેડપે અને અન્ય મામલે સરકાર સામે ધરણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં થી 50- 50 પ્રતિનિધિઓ આ આંદોલન મા ભાગ લેવના હતાં. જોકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આયોજીત ધરણા પ્રદર્શન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ સરકાર સમક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ કોરોનાની મહામારી ચાલી રહી છે.તો બીજી તરફ આજે સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આવા સંજોગોમાં શિક્ષકોને આંદોલન કરવા માટેની મંજૂરી પોલીસે આપી નહીં હોવા છતાંય પરવાનગી વિના આંદોલન કરવા નીકળેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ અનેક બેઠકો અને રજૂઆતોના અંતે આજે પણ 4200 ગ્રેડ પે નો પરિપત્ર હજુ નથી તેના કારણે રાજ્યના 64 હજાર શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.તો બીજી તરફ શિક્ષકોના આંદોલન અંગે નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે પોતાની માંગણીઓના સમર્થનમાં આંદોલન કરવા નીકળેલા શિક્ષકો દ્વારા કોઈપણ પરવાનગી મેળવી નથી.
એટલું જ નહીં હાલ રાજ્યમાં ખેડૂત આંદોલનના કારણે કલમ 144 લગાડવામાં આવી છે. જ્યારે કોરોનાની મહામારી પણ ચાલી રહી છે.ત્યારે આ વિકટ સમસ્યા વચ્ચે આંદોલન કરવા માટે પરવાનગી આપવામાં આવી નથી જોકે પરવાનગી વિના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવા એકઠા થયેલા 25 થી વધુ શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો સ્વીકાર એમ.કે.રાણા (નાયબ પોલીસ અધિક્ષક ગાંધીનગર) એ કર્યો છે.


