ગાંધીનગરનાં પીડીપીયુ રોડ પર આવેલ શ્રી રંગ ઉપવન બંગલામાં રહેતાં ઉર્જા વિભાગનાં અધિક સચિવના બંધ ઘરમાં ચોરી થઇ છે.જેમાં તાળા તોડી તસ્કરો ડાયમંડ તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને 18.60 લાખની મત્તા ચોરી સિફતપૂર્વક પલાયન થઈ ગયા છે.તેથી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ
ચોરીની આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા તસ્કરોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.નવા સચિવાલય ઉર્જા વિભાગ અધિક સચિવ તરીકે બજાવે છે.ઉત્તરાયણ કરવા માટે આઈએએસ અધિકારી મહેશભાઈ પટેલ પરિવાર સાથે વતન કડી ખાતે ગયા હતા.જેમના મકાનમાં અંદર તેમજ બહાર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલ છે.જે કેમેરાનું મોનિટરિંગ તેમના મોબાઈલમાં તેઓ સમયાંતરે કરતા રહે છે.
જાણો તસ્કરો કેટલી વસ્તુઓ ચોરી ગયા
૩ લાખની કિંમતનો સોનાના હાર, 1.7 લાખનું સોનાનું મંગળસૂત્ર, 4.50 લાખના સોનાના ત્રણ ડોકીયા, 1.50 લાખની સોનાની બે ચેઈન, 1 લાખના સોનાના પાટલા, 1.80 લાખનો ડાયમંડનો હાર, 1 લાખનું ડાયમંડનું મંગળસૂત્ર, 75 હજારનું સોનાનું મંગળસૂત્ર, 3 લાખના સોનાના ત્રણ બ્રેસલેટ, 50 હજારની ચાર જોડ બુટ્ટી, 15 હજારની સોનાની ત્રણ વીંટી, રોકડા 12 હજાર રૂપિયા અને 10 હજારની કિંમતનો લોકર પણ ચોરો ચોરી ગયા છે.