મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન ચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કર્યુ છે.વન અને વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા ગુજરાતના આઠ જેટલા વન શહીદોને મુખ્યમંત્રી અને વન મંત્રી સહિતના મહાનુભાવોએ ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફ જેવા કે, વનરક્ષક,વનપાલ,પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓના માનમાં વર્ષ 2013થી દર વર્ષે 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વન વિભાગના ફ્રન્ટલાઇન સ્ટાફ પોતાના જીવની પરવા કર્યા વિના અવિરતપણે વન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે.તે દબાણ,લાકડાની ચોરી,ગેરકાયદેસર કપાણ,વન્યજીવોના શિકાર રોકવા અને વન્યજીવ-માનવ ઘર્ષણ અટકાવવાની કામગીરી કરે છે અને આ દરમિયાન અમુક પ્રસંગોએ તેઓ પોતાના જીવનું બલિદાન આપી દેતા હોય છે.આવા વીર વનકર્મીઓની સ્મૃતિ ચિરંજીવ રાખવા ગાંધીનગરના સેક્ટર-30માં આવેલા વન ચેતના કેન્દ્ર ખાતે આ વનપાલ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ગુજરાતમાં આ વનપાલ સ્મારક છે.વન અને વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વન શહીદોના સાહસ,શૌર્ય અને બલિદાનની વિરાસતનું સ્મરણ ભાવિ પેઢીને પ્રેરણા આપતું રહે તેવો આ સ્મારક નિર્માણનો હેતુ છે.
આવા સ્મારક વન શહીદોના સાહસ અને શૌર્યને બિરદાવે છે.વન અને વન્યજીવો માટેના તેઓના ત્યાગને જીવંત સ્વરૂપ આપે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને છે. બાળકોથી લઇને તમામ નાગરિકોને આ સ્મારક વનો અને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ બનવાની સાથે સાથે વન અને વન્યજીવોના રક્ષણ માટે પ્રતિબદ્ધ બનવાની પ્રેરણા આપશે. મુખ્યમંત્રીએ વનપાલ સ્મારક લોકાર્પણ વેળાએ ઉપસ્થિત વન શહીદોના પરિવારજનોને મળીને તેમના ખબર-અંતર પુછીને વન સંરક્ષણ માટે બલિદાન આપનાર તેમના સ્વજનના કાર્યને બિરદાવ્યું.મુખ્યમંત્રીએ આ પરિવારો સાથે સંવેદના સભર સંવાદ પણ કર્યો હતો અને પરિવારોની આર્થિક-સામાજિક પરિસ્થિતિની વિગતો જાણી.