– અલગ અલગ કલરના કોઈન મારફતે જુગારધામ ધમધમતું હતું
– જુગારીનો છોડી દેવા માટે રાજકીય નેતાઓનું દબાણ કામ ના આવ્યું
ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપમાં કાર્યરત હિનાબેન પટેલના પતિદેવ હરેશ રતિલાલ પટેલ સહિત 9 વેપારીઓને સેકટર 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે સેકટર – 2 /બી ના મકાન માં કોઈન મારફતે જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડ રકમ, મોબાઈલ ફોન, તેમજ વાહનો મળીને કુલ રૂ. 17.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.ત્યારે મોડી રાત્રે જુગારીઓને છોડાવવા માટે સ્થાનિક નેતાઓ સહિતના નામી હસ્તીઓએ ભલામણ કરીને ધમપછાડા કરવામા આવ્યા હતા. જો કે પોલીસે તમામ ભલામણોની અવગણના કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી સેકટર 7 પોલીસ મથકના ઈન્સ્પેક્ટર સચિન પવારના સીધા માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પીએસઆઈ એચ. એ. સોલંકી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કરતા હતા તે વખતે બાતમી મળી હતી કે, સેકટર 2/બી પ્લોટ નંબર 1148/2 ના મકાનમાં અમરનાથ કોર્પોરેશનના માલિક તરીકે ઘનશ્યામ પોપટલાલ પ્રજાપતિએ મકાન ભાડે રાખ્યું છે.અને ત્યાં મોટા પાયે જુગાર ધામ ધમધમી રહ્યું છે.
જેના પગલે સેકટર-7 નો પોલીસ નો ડી સ્ટાફ બાતમી વાળા મકાનમાં ત્રાટક્યો હતો. જ્યાં બેડરૂમમાં બે સેટી પલંગ ભેગા કરીને જુગારીઓ અલગ અલગ કલરના કોઈન થકી જુગાર રમી રહ્યા હતા. જેથી જુગારીઓ ની પોલીસે કડકાઈથી પૂછતાંછ શરૂ કરતાં ગાંધીનગર જિલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપમાં કાર્યરત હિનાબેન પટેલના પતિ હરેશભાઈ. રતિલાલ. પટેલ (રહે. સેક્ટર 27 પ્લોટ નંબર 1090 સ્વસ્તિક સોસાયટી મૂળ કુડાસણ), ઘનશ્યામભાઈ પોપટલાલ પ્રજાપતિ( સેક્ટર 25 સહકાર સોસાયટી મકાન નંબર 22 મૂળ ધાંગધ્રા), જયેશ અંબાલાલ પટેલ (શ્રીજી પાર્ક મકાન નંબર 48 અડાલજ), કાનજીભાઈ આત્મારામ પટેલ (વાસુપૂજ્ય સોસાયટી સેટેલાઈટ મૂળ ધોળકા), કમલેશ પુજાભાઈ પટેલ (કસ્તુરી 3,થલતેજ) જશવંતભાઈ નારણદાસ પટેલ (સેક્ટર 7 ડી પ્લોટ નંબર 161/2), રણજીતસિંહ ચાવડા (પેથાપુર સિદ્ધિવિનાયક સોસાયટી), ભદ્રેશ રમણલાલ શાહ (સરગાસણ રાજપથ બંગલો મૂળ ઉનાવા) તેમજ બાબુભાઈ રામદાસ પટેલ સેકટર 26,મકાન નંબર 335/1,કિસાનનગર ગાંધીનગર) હોવાનું ખુલવા પામ્યું હતું.
આ અંગે સેકટર 7 પીઆઈ સચિન પવારે જણાવ્યું હતું કે, પકડાયેલા જુગારીઓ પૈકી હરેશભાઈ રતિલાલ પટેલ જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ હિનાબેન પટેલના પતિ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.જ્યારે બાકીના જુગારીઓ બિલ્ડર તેમજ વેપારીઓ છે.ઉક્ત મકાનમાં કોઈન મારફતે જુગાર રમાતો હતો.જેમાં લીલા કલરના કોઈનનાં – 50 રૂપિયા, લાલ કલરના કોઈનનાં – 100 રૂપિયા, કાળા કલરના કોઈનનાં – 10 રૂપિયા તેમજ વાદળી કલરના કોઈનનાં – 10 રૂપિયા એમ નક્કી કરવામા આવ્યું હતું. અને જે કોઈ જીતે તેને કોઈન ની રકમ મુજબ ઘનશ્યામ પ્રજાપતિ ચૂકવી દેતો હતો.પોલીસને સ્થળ પરથી અલગ અલગ રંગના કુલ 240 નંગ કોઈન મળી આવ્યા છે.
વધુમાં પીઆઈ પવારે ઉમેર્યું હતું કે, જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ. રૂ. 1 લાખ 27 હજાર 200 રોકડ, 9 મોબાઇલ ફોન તેમજ વાહનોમાં હુંડાઈ કાર, નિશાન સન્ની, ટાટા નેકશન, ઈગ્નનીશ, i-20 જેવી કાર તેમજ બાઈક મળીને કુલ રૂ. 17. 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.જેની વધુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હિનાબેન પટેલની કારને અકસ્માત નડયો હતો.જેમાં પતિ હરેશભાઈ સહિતના કુટુંબીજનોને શરીરે વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી.જ્યારે અકસ્માત કરનાર દશેલાના કાર ચાલક લાલાભાઈ ચૌધરી નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.