ગાંધીનગર : ગાંધીનગરના સરઢવ ગામે બે સ્થળોએ પેથાપુર પોલીસ દ્વારા રેડ કરીને સરઢવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર કાંતિલાલ પટેલ સહિત 15 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 69 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરવામા આવી છે.
ગાંધીનગરનાં સરઢવ ગામમાં બે સ્થળોએ જુગાર ધામ ચાલતું હોવાની બાતમી મળતાં પેથાપુર પોલીસ મથકના ફોજદાર આર. બી પરમારની સૂચનાથી સ્ટાફના માણસોએ સરઢવ ગામે લીંબડીવાળા વાસમાં કૌશલ વિષ્ણુભાઈ પટેલના બંધ મકાનના બીજા માળે રેડ કરી હતી.
આ રેડ દરમિયાન સરઢવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર કાંતિલાલ પટેલ તેમજ કમલેશ જગદીશભાઈ પટેલ નિલય ભરતભાઈ પટેલ,રાજેન્દ્ર રમેશભાઈ પટેલ,કાર્તિક ભરતભાઈ પટેલ,જીગ્નેશ મહેન્દ્રભાઈ પટેલ,અજય શકરાભાઈ પટેલ,દર્શન નરેશભાઈ પટેલ,વિરાજ રાજેન્દ્ર પટેલ અને દીપેન સિરાજભાઈ પટેલને ગંજી પાનાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ કુલ. રૂ. 53 હજાર 900નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
તદુપરાંત સરઢવ ગામમાં જાંબોરૂ નામથી ઓળખાતા ખરાબાની જગ્યામાં પણ પોલીસે રેડ કરીને કમલેશ કનુજી ઠાકોર,બીપીન રમણલાલ પટેલ,રમેશ બબલદાસ પટેલ,કમલેશ શાકાભાઈ પટેલ અને દશરથ બેચરભાઈ પટેલને જુગાર રમતા ઝડપી લઈ કુલ રૂ. 15 હજાર 700નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો.આમ પેથાપુર પોલીસે સરઢવ ગામમાં ડેપ્યુટી સરપંચ સહિત 15 જુગારીઓ ઝડપી લઈ કુલ રૂ. 69 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.