-ઓખા,થરા નગરપાલિકા સહિત અન્ય પાલિકાની 39 બેઠક, તા. પંચાયતની 47 ખાલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે.આગામી તા.3જી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે.ગાંધીનગર પાલિકા ઉપરાંત ઓખા,થરા અને ભાણવડ નગરપાલિકા સહિત અન્ય પાલિકાની 39 બેઠકો અને તાલુકા પંચાયતની 47 ખાલી પડેલી બેઠકો માટે આ જ તારીખે પેટાચૂંટણી યોજાવા ચૂંટણી પંચે નક્કી કર્યુ છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વખતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી હતી.ભાજપ-કોગ્રેસ સહિત આપે ભરપૂર પ્રચાર પણ શરૂ કરી દીધો હતો પણ કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારની ચારેકોરથી ટીકા થવા માંડી હતી.આ ઉપરાંત રાજકીય પક્ષોને ય કોરોનાના ડરથી ઓછુ મતદાન થવાની ભીતિ સતાવી રહી હતી.
આખરે રાજ્ય ચૂંટણી પંચે જ ચૂંટણી મુલતવી રાખવા નિર્ણય લીધો હતો. હવે જયારે કોરોનાએ વિદાય લીધી છે ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અન્ય પાલિકા,તાલુકા-જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કર્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત ઓખા,થરા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી માટે 13મી સપ્ટેમ્બરે જાહેરનામુ પ્રસિદ્ધ થશે.ગાંધીનગરમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમણે ફરીથી ફોર્મ ભરવાના નહી રહે.
બે વોર્ડમાં ઉમેદવારોનુ મૃત્યુ થવાની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.3જી ઓક્ટોબરે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે.જયારે તા.5મીએ મતગણતરી યોજાનાર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ય બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.વિધાનસભાની ચૂંટણી પહેલાં યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ,કોંગ્રેસ અને આપ માટે એસિડ ટેસ્ટ સમાન બની રહેશે.કોરોનાએ વિદાય લેતા પાટનગરમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામશે. ભાજપ કોંગ્રેસના અંદરોઅંદરના ડખાનો લાભ લેવા ઉત્સુક છે.
છેલ્લી ઘડીએ ટાઉનહોલના રિનોવેશનની અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની જાહેરાત કેમ કરી?
અમદાવાદ : વિવાદ નાયબ મુખ્યમંત્રીનો કેડો મૂકતો નથી.ગાંધીનગર ટાઉનહોલનું મુહુર્ત કરાયા બાદ રાજ્ય ચૂંટણી પંચ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરતાં વિરોધીઓએ કાગારોળ મચાવી છે.એટલુ જ નહીં,રાજ્ય ચૂંટણી પંચ સામે આંગળી ચિધી છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થતા રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર રીતે ગાંધીનગર પાલિકાની ચૂંટણી યોજવા એલાન કર્યુ હતું.પણ આ જાહેરાત થાય તે પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અચાનક જ ગાંધીનગર ટાઉનહોલનુ ખાતમુહુર્ત કર્યુ હતું જેના પગલે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમને કારણે ચૂંટણી પંચે ચાર વાગ્યાને પગલે પાંચ વાગે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ મામલે ચૂંટણી કમિશનરે એવુ રટણ રટયુ કે, ચૂંટણી કાર્યક્રમની વિગતો સમયસર તૈયાર શકી ન હતી જેના કારણે વિલંબ થયો છે. ટૂંકમાં રાજ્ય ચૂંટણી પંચ નીતિન પટેલના કાર્યક્રમથી બેખબર રહ્યુ હતુ પણ કોંગ્રેસે તો આ મામલે ટ્વિટરથી માંડીને સોશિયલ મિડીયા પર એવી કોમેન્ટો ભરમાર કરી ચૂંટણી પંચ પર શંકા વ્યક્ત કરી છે.
ગાંધીનગરમાં ટાઉનહોલને અદ્યતન બનાવવા છેલ્લા કેટલાંય સમયથી માંગ હતી જેથી નીતિન પટેલે છેલ્લી ઘડીએ રૂા.17 કરોડના ખર્ચે રિનોવેશન કરવાની જાહેરાત કરી હતી.આ ઉપરાંત સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવાની ય જાહેરાત કરી હતી. આ બે જાહેરાતો પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી.