– ઝુંડાલ અને રાંધેજાની યુવતી લોકલ સંક્રમણથી કોરોનામાં સપડાઇ
ગાંધીનગર
અમદાવાદ શહેરમાં રાફડાની જેમ વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસની અસર ટ્વીન સિટી ગણાતા ગાંધીનગરને પણ ભરડામાં લઇ રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળમુખા કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે.અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે પોઝિટિવ કેસની સંખ્યા ૩૧ હતી. તેમાં આજે ૩-૨ કેસ ઉમેરાતા પોઝિટિવ કેસનો આંકડો ચિંતાજનક કહી શકાય તેટલો ૩૫ ઉપર પહોંચ્યો છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં મળી સમગ્ર જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોના વાયરસના ૩૪ કેસ પોઝિટીવ નોંધાયા હોવાનું જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલ સુધીમાં કુલ- ૩૧ કોરોના પોઝિટીવ કેસ હતા. જેમાંથી ગાંધીનગરના શાંતિગ્રામ, અદાણી ખાતે નોંધાયેલા એક કોરોના પોઝિટીવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા મંગળવારે એટલે કે તા. ૨૮મીના રોજ સાંજના ૫ વાગ્યા સુધીમાં ગાંધીનગર તાલુકાના ઝુંડાલ ગામમાં ૨૯ વર્ષીય સ્ત્રીને અને રાંધેજા ગામમાં ૩૦ વર્ષીય સ્ત્રીને કોરોના પોઝિટીવ માલુમ પડયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર- ૩/સી ખાતે ૧૩ વર્ષીય કિશોર અને સેકટર-૮માં ૨૯ વર્ષીય સ્ત્રીને પોઝિટીવ કેસ નોંધાયા છે.૧૩ વર્ષના કિશોરના દાદીને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પરિવારના અન્ય બે સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. આમ,એક જ પરિવારના ચાર સભ્યોને હાલ કોરોના થયો છે. આ ઉપરાંત અમદાવાદમાં ફરજ બજાવતા અને સેકટર-૮સીમાં રહેતા ૨૯ વર્ષીય મહિલા તબીબનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ અંગે જાણ થતાં પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને સેનિટાઈઝેશન તથા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. પાંચ વાગ્યા બાદ સેકટર-૨ બીમાં અમદાવાદના દાણીલીમડાથી આવેલાં વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ સેકટર-૨ બી ખાતે રહેતાં પોતાના દીકરાના ઘરે આવ્યા હતા. આમ આજદિન સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મળી કોરોના પોઝિટીવ કેસની સંખ્યા કુલ ૩૫ થાય છે.
ઝુંડાલમાં ૨૯ વર્ષની યુવતીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સંક્રમણ અંગે મળતી વિગતો એવી છે કે યુવતીના પરિવારમાં તેના સસરા કોરોનાના સંક્રમણમાં સપડાયા હતાં અને તેમનો પોઝિટિવ રિપોર્ટ ૧૯ એપ્રિલના રોજ આવ્યો હતો. તેના પગલે પરિવારના સભ્યોને ૧૯ એપ્રિલથી પ્રેક્ષાભારતી ખાતે કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં અને તેમના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતાં.તે પૈકી આ યુવતીનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. હાલમાં આ યુવતીની સારવાર કોલવડા ખાતેની હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ઉપરાંત રાંધેજાની સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતી ૩૧ વર્ષની યુવતી કોરોના વાયરસના સંક્રમણમાં સપડાઇ છે.આ યુવતીએ કોઇ પ્રવાસ કર્યો નથી પરંતુ પરિવારમાં પોઝિટિવ કેસના સંક્રમણનો ભોગ બની છે.તેના પતિને કોરોના થયો હોવાનો પોઝિટિવ રિપોર્ટ ૨૪ એપ્રિલના રોજ મળ્યો હતો.જેથી પરિવારના સભ્યોના આરોગ્યની ચકાસણી માટે ટેસ્ટ કરવામાં આવ્યા હતાં અને કોબા ખાતેના પ્રેક્ષાભારતી ખાતે કોરેન્ટાઇન કરાયા હતાં.તે પૈકી આ યુવતીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
મનપા વિસ્તારના ત્રણ નવા કેસમાંથી બેમાં અમદાવાદ કનેક્શન
ગાંધીનગર મનપા વિસ્તારમાં મંગળવારે ત્રણ નવા કેસ નોંધાયા છે.આ પૈકી બે કેસાં અમદાવાદ કનેક્શન જોવા મળ્યું છે.સેકટર-૮સીમાં રહેતી ૨૯ વર્ષીય મહિલા તબીબ અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. જ્યારે દાણીલીમડા વિસ્તારમાંથી આવેલાં વૃદ્ધાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.સેકટર-૩સીમાં રહેતા પરિવારના ચાર સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે.જેમાં પ્રથમ કેસ અમદાવાદમાં સામાજિક પ્રસંગે ગયા બાદ નોંદાયો હતો.ત્યારબાદ અન્ય ત્રણ વ્યક્તિ સ્થાનિક સંક્રમણના કારણે કોરોનાગ્રસ્ત થયા હતા.આમ,ટ્વિન સિટી ગણાતું ગાંધીનગર પણ અમદાવાદની અસર હેઠળ કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યું છે.


