સુરત : સુરતના મજુરાગેટ સ્થિત ગાંધી એન્જીનીયરીંગના સિવિલ ડિપાર્ટમેન્ટને નેશનલ બોર્ડ ઓફ એક્રિડિટેશન દ્વારા ત્રણ વર્ષની માન્યતા આપવામાં આવતા આ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને હવે વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે પડતી મુશ્કેલીઓ દૂર થશે.
વિદ્યાર્થીઓ જયારે વિદેશમાં ભણવા જાય છે કે પછી ભણીને નોકરી કરે છે.ત્યારે વિદેશની યુનિવર્સિટીઓ ત્યાંની કંપનીઓ ફરજિયાત નેશનલ બોર્ડ ઓફ એર્કિડિટેશનની માન્યતા માંગતી હોય છે.ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજોમાં આ માન્યતા નહીં હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી.આ અંગે રજુઆત કર્યા બાદ સરકાર દ્રારા કાર્યવાહી શરૃ કરાઇ હતી.જેમાં મજુરાગેટ સ્થિત ગાંધી એન્જીનીયરીંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્યતા માંગતી અરજી કરવામાં આવતા ગત એપ્રિલ મહિનામાં ત્રણ દિવસનું ઇન્સ્પેકશન રાખવામાં આવ્યુ હતુ.આ દરમ્યાન કોલેજમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ સવલતો, લેબોરેટરી,શૈક્ષણિક સ્ટાફની લાયકાત તથા અનુભવ,શૈક્ષણિક ગુણવતા,વિદ્યાર્થીઓની સંખ્યા,લાઇબ્રેરી,બજેટ,રિર્સચ,ડેવલપમેન્ટ સહિત વિવિધ પાસાઓની ચકાસણી કરાઇ હતી.આ ચકાસણી બાદ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન નવી દિલ્હી દ્વારા સિવિલ વિભાગને આગામી ત્રણ વર્ષની માન્યતા આપવામાં આવી છે.આ માન્યતાના પગલે આ વિભાગમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની ડિગ્રી સમ્રગ વિશ્વના યુએસએ,કેનેડા, યુકે,ગલ્ફ કન્ટ્રી સહિત ૯ થી ૧૦ દેશોમાં સંર્પૂણ માન્યતા ધરાવે છે.તેમજ નોકરી માટે તથા ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જનારા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.આ કારણે આગામી વર્ષોમાં ગ્રેજયુએટ કે પી.જીમાં નવા કોર્સ ઉમેરી શકાશે.

