– પાંચ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસમાં ગાંધી પરિવાર પર સવાલો ઉઠયા હારને પગલે સોનિયાએ ઉ.પ્રદેશ,પંજાબ,ગોવા,મણીપુર,ઉત્તરાખંડના પ્રદેશ પ્રમુખોના રાજીનામા માગ્યા ગાંધી પરિવાર વગર પણ કોંગ્રેસ ટકી હતી,તેના નેતાઓ હવે પહેલા જેવા મજબૂત નથી રહ્યા : અશ્વિની કુમાર
નવી દિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર વચ્ચે હવે કોંગ્રેસની ટોચની નેતાગીરી પર કોંગ્રેસના જ નેતાઓ સવાલો ઉઠાવવા લાગ્યા છે.કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણિતા વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે કે ગાંધી પરિવારે હવે નેતાગીરી છોડી દેવી જોઇએ.સિબ્બલે આ નિવેદન સોનિયા,રાહુલ અને પ્રિયંકા ગાંધીને ધ્યાનમાં રાખીને કર્યું હતું.
બીજી તરફ સોનિયા ગાંધીએ જે પાંચ રાજ્યોમાં કોંગ્રેસ હારી છે ત્યાંના પ્રદેશ પ્રમુખોના રાજીનામા માગી લીધા હતા.કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,મણીપુર અને ગોવાના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખોના રાજીનામાની માગણી કરી છે.જેને પગલે હવે આ રાજ્યોમાં કોંગ્રેસ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારો કરશે.
પાંચમાંથી માત્ર પંજાબમાં કોંગ્રેસ સત્તામાં હતી,જ્યાં પ્રદેશ પ્રમુખની જવાબદારી કોંગ્રેસે નવજોતસિંહ સિદ્ધૂને સોપી હતી.જોકે સિદ્ધૂ ખુદ આ ચૂંટણી હારી ગયા હતા.જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ તેવી જ સિૃથતિ જોવા મળી,ઉ.પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જવાબદારી અજય કુમાર લલ્લુને સોપાઇ હતી.તેઓ પણ ચૂંટણી હારી ગયા હતા.
ઉત્તરાખંડમાં ગણેશ ગોદિયાલ અને ગોવામાં ગિરીશ ચોડનકર અને મણીપુરમાં લોકેનસિંહ પ્રદેશ પ્રમુખ પદ પર છે.આ પાંચેય રાજ્યોમાં કોંગ્રેસની હાર બદલ તેમના રાજીનામાની માગ કરાઇ છે.જ્યારે બીજી તરફ કપિલ સિબ્બલે કહ્યું છે કે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરી છોડી દેવી જોઇએ.
હાલ સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર છે.જ્યારે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માગણી કેટલાક નેતાઓ કરી રહ્યા છે.એવામાં સિબ્બલનું આ નિવેદન સામે આવ્યું છે.બીજી તરફ સિબ્બલના આ નિવેદનની કોંગ્રેસના કેટલાક નેતાઓ ટીકા કરી રહ્યા છે અને સિબ્બલ આરએસએસની ભાષા બોલી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.
કબિલ સિબ્બલ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ નેતા અશ્વિની કુમારે પણ કહ્યું હતું કે ગાંધી પરિવારની કોંગ્રેસને જરૂર નથી.તેમણે કોંગ્રેસના ઇતિહાસને યાદ અપાવતા કહ્યું હતું કે કોંગ્રેસ ગાંધી પરિવાર વગર પણ કામ કરતી રહી છે અને સત્તામાં પણ રહી છે.ગાંધી પરિવારનું નેતૃત્વ હવે કોંગ્રેસ માટે કઇ જ નથી કરી રહ્યું.ગાંધી પરિવારના નેતાઓ હવે મજબૂત નથી રહ્યા.

