અમદાવાદ : તા.11 જુલાઈ 2022,સોમવાર : દેશના અનેક રાજ્યોમાં વરસાદ કહેર બનીને વરસ્યો છે.ગુજરાતથી હિમાચલ પ્રદેશ સુધીના અનેક રાજ્યોમાં વરસાદના કારણે પૂર અને લેન્ડસ્લાઈડની ઘટનાઓ જોવા મળી છે.હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદ તૂટી પડવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને ભારે મોટી તારાજી થઈ છે.લેન્ડસ્લાઈડના કારણે ઉત્તરાખંડના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.દેશના મેદાની વિસ્તારોથી શરૂ કરીને પહાડી વિસ્તારો સુધીના અનેક ક્ષેત્રોમાં આખો દિવસ અનરાધાર વરસાદ તૂટી પડવાના કારણે તથા નદીઓમાં પાણીના વહેણના કારણે ગામડાંઓ ઉપરાંત શહેરોમાં પણ પૂરની સ્થિતિ પ્રવર્તી છે.રાજ્યમાં અતિ વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની 13 ટીમો,એસડીઆરએફની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે.એસડીઆરએફની એક ટીમ છોટા ઉદયપુરમાં પણ તૈનાત કરી દેવાઈ છે.દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના કારણે સ્ટેટ હાઈવે તથા પંચાયતી હાઈવે સહિતના 388 રસ્તાઓ બંધ છે.