વલસાડ, 05 જૂન : કોરાનાને લઇ પાંચ ચરણમાં લોકડાઉન રહ્યા બાદ અનલોક દરમિયાન કેન્દ્ર સરકારે એક રાજયથી બીજા રાજ્યમાં જવા માટે છૂટ જાહેર કરી પાસની જરૂર નહી પડે તેવુ જણાવ્યુ હતું.જો કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશદ્વારા પાસે કોઈ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી નથી પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુજરાત મહારાષ્ટ્રની અછાડ બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી પોલીસની ટીમ ખડકી દીધી છે.ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા કાર ચાલકો પાસે જિલ્લા મેજિસ્ટેટના પાસની માંગણી કરી,લોકોનું સ્કેનિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જ્યારે પાસ વિનાના કાર ચાલકોને પ્રવેશ ન અપાતા કારની કતારો લાગી ગઈ છે.કેટલાક કાર ચાલકો મહારાષ્ટ્રમાં પ્રવેશ ન મળતા પરત ફર્યા હતા.જો કે ટ્રાન્સપોર્ટના વાહનો પર પ્રવેશબંધી ન હતી. આમ મહારાષ્ટ્રથી મુસાફરોને ગુજરાત સરળતાથી આવી રહ્યાં છે.જેની સામે ગુજરાતથી લોકોએ મહારાષ્ટ્ર જવુ હોય તો પાસ વગર હાલ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.કેન્દ્ર સરકાર અને રાજય સરકારની જાહેરાત બાદ ગુજરાતની મહારાષ્ટ્ર બોર્ડર પર મહારાષ્ટ્રથી લોકોને સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જેની સામે ગુજરાત અને અન્ય રાજયના લોકોએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવો હોય તો પાસ માગવામાં આવી રહ્યો છે.એક જ બોર્ડર પર અલગ-અલગ નિર્ણયો જોવા મળી રહ્યાં છે.


