વલસાડ 30 મે : લોકડાઉનના કારણે છેલ્લા બેથી વધુ માસથી દમણમાં ધંધા રોજગાર કરતાં, કંપની સંચાલકો,વેપારીઓ અને કામદારો પ્રવેશ કરી શકતા ન હોવાથી સ્થિતિ દયનીય બની હતી,આખરે શુક્રવારે હવેથી ગુજરાતમાં રહેતા દમણમાં વ્યવસાય અને કંપની ચલાવતા લોકો અને કામદારોને પણ પ્રવેશ આપવાની મંજુરી આપવામાં આવી છે.ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ સ્કૂટિની થયા પછી કલેકટર દમણમાં પ્રવેશ કરવાના પાસ ઇસ્યુ કરશે.
લોકડાઉનના કારણે ગુજરાતના સંચાલકો,કામદારો,વેપારીઓને દમણમાં પ્રવેશ મળતો ન હતો.બે માસ થવા છતાં પ્રવેશ ન મળતાં અનેક રજૂઆતો થઇ હતી.જેના કારણે દમણ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે.છેલ્લા થોડા દિવસોથી પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.અનેક રજૂઆતો પછી શુક્રવારે સંઘપ્રદેશના પ્રસાશક પ્રફુલ પટેલે રાહત આપી હતી. પ્રસાશક પ્રફુલ પટેલે દમણ સાથે સંકળાયેલા ગુજરાતના લોકોને પ્રવેશ આપવાની જવાબદારી કલેકટરને સોંપી છે.ઓનલાઇન એપ્લિકેશન બાદ કલેકટર સ્કુટિની કરી ઇ-પાસ આપશે.આ અંગે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે અમારી રજૂઆતો ધ્યાન લીધી છે.હવે ગુજરાતના લોકોને ઓનલાઇન પ્રવેશ મળી રહેશે.આમ લાંબા સમય બાદ ગુજરાતના લોકોને દમણમાં જવાની છૂટ મળી રહેશે.દમણમાં ગુજરાતના લોકોને પ્રવેશ મળ્યા બાદ પરત કોરન્ટાઈન કરવામાં આવશે નહીં.
દમણમાં પ્રવેશ અંગે સૌ પ્રથમ ઓનલાઇન એપ્લિકેશન કલેકટરને કરવાની રહેશે.કલેકટર તમામ પાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી સ્કૂટિની કરશે. ત્યારબાદ આરોગ્યની ચકાસણી બાદ કલેકટર મંજુરી આપશે.નિયમોને આધિન પ્રવેશ મળશે.એવું સંઘપ્રદેશ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા જણાવાયું છે


