લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એટલા માટે સરકાર દ્વારા નિયમોને કડક કરવામાં આવ્યા છે અને જે લોકો નિયમોનો ભંગ કરે છે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.ત્યારે ગુજરાતના એક ધારાસભ્યએ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે વાહન ચાલકો પાસેથી દંડની ઉઘરાણી કરતી હોવાના આક્ષેપ સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી છે.
ટ્રાફિક પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરતી હોવાનો આક્ષેપ ભરૂચના જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ કર્યા છે.ત્યારે ધારાસભ્ય માસ્ક અને હેલમેટ ન પહેરવા બાબતે વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરતી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.ધારાસભ્યનો આક્ષેપ એવો છે કે,તેમના વિસ્તારમાં રહેતા લોકો ખેતી કરવા માટે જાય છે ત્યારે તેઓ માસ્ક પહેરીને અને સામાજિક અંતરનું પાલન કરીને જાય છે. આ લોકોએ માસ્ક પહેર્યુ હોવા છતાં પણ પોલીસ દ્વારા તેમની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવે છે.
ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીના સમયમાં સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લાવવાના ભાગરૂપે દરેક વ્યક્તિને ફરજિયાત માસ્ક પહેરવા તથા સામાજિક અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે તે ખૂબ સારી બાબત છે,જેના કારણે મહદંશે કોરોના કાબુમાં આવ્યો છે.
આ પત્રમાં પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતી કરવા ખેતરમાં જતા હોય છે અથવા તો મજૂરી કામે જતા હોય છે અથવા તો શાકભાજી ભરી પોતાનું પેટીયું રળવા જતા હોય છે.આવા સમયમાં પણ તેમના તરફથી માસ્ક પહેરવામાં આવે છે અને સામાજિક અંતરનું પાલન પણ કરવામાં આવે છે.છતાં પણ આપના પોલીસ તંત્ર તરફથી જાણવા મળ્યા મુજબ તેઓને માસ્ક નામે દંડની વસૂલીનો ટાર્ગેટ આપેલો હોવાના કારણે ટાર્ગેટ પૂરો કરવાના ભાગરૂપે તમામ લોકો જેવા કે, ખેડૂતો,ખેત મજૂરો,ખેતરમાં પાણી વાળવા જતા લોકોના બાઈક રોકીને તેમની પાસેથી હેલમેટ અને માસ્કના નામે દંડની વસૂલાત કરવામાં આવે છે અને ટેમ્પામાં મુસાફરીને કરીને જતા મજૂરોને પણ રોકવામાં આવે છે અને માસ્કના નામે ખોટી રીતે દંડ વસૂલવામાં આવે છે. તેમજ લારીવાળા ગરીબ માણસોને રોકવામાં આવે છે અને માસ્ક નામે દંડ વસુલ કરવામાં આવે છે.
જેના હિસાબે દિવસ દરમિયાન મળેલી કમાણી દંડ રૂપે પોલીસ ખાતા તરફથી વસૂલવામાં આવી રહી છે.જ્યારે લોકો ટુ-વ્હીલર વાહન પર જતા હોય છે ત્યારે તેઓના વાહન રોકીને હેલમેટ પહેરેલો હોવા છતાં પણ અન્ય બહાનાઓ બનાવીને તેમની પાસેથી દંડ લેવામાં આવે છે. જેના કારણે મારા મત વિસ્તારના ગરીબ પરિવારો પોલીસ ખાતાની અમાનવીય વર્તનના કારણે પાયમાલ થઇ ગયા છે અને બે ટંકનું ભોજન પણ મેળવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.આથી આપની કક્ષાએથી પોલીસ તંત્રને જરૂરી તાકીદે કરીને માનવીય અભિગમ દાખવી ગરીબ લોકોને માસ્ક અને હેલમેટના નામે નામે ખોટા દંડ ન કરે તેવી સૂચના આપવા વિનંતી.