– સલાયાનું ‘નિગાહે કરમ’ જહાજ ૨૭ ડિસેમ્બરે મુન્દ્રા બંદરેથી ૮૦૦ ટન ખાંડ ભરી જિબુટી જવા નીકળ્યું હતું
અમદાવાદ (પી.ટી.આઇ.) : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાતના કાંઠાની નજીક અરેબિયન સમુદ્રમાં ડૂબી રહેલા એક જહાજમાંથી ૧૨ ક્રૂ મેમ્બર્સને બચાવ્યા હતા. કોસ્ટ ગાર્ડે ગઈ કાલે જણાવ્યું હતું કે મુંબઈના આઇસીજી મૅરિટાઇમ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટરમાંથી સવારે ૧૧ વાગ્યે કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનો મેસેજ મળ્યા બાદ શનિવારે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
મોટરાઇઝ્ડ સપ્લાય જહાજમાં ખૂબ જ પાણી ભરાઈ જવાથી એ ડૂબી ગયું હતું. તમામ ૧૨ ભારતીય ક્રૂ મેમ્બર્સને મોટર ટૅન્કર જહાજમાં લઈ જવાયા હતા.સલાયાનું ‘નિગાહે કરમ’ જહાજ ૨૭ ડિસેમ્બરે મુન્દ્રા બંદરેથી ૮૦૦ ટન ખાંડ ભરી જિબુટી જવા નીકળ્યું હતું,જેણે આખરે જળસમાધિ લીધી હતી.
મૅરિટાઇમ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટરને કૉલ આવ્યા બાદ એણે એ જગ્યાની નજીકમાં રહેલાં તમામ જહાજોને અલર્ટ કરી દીધાં હતાં અને સાથે જ પોરબંદરમાં મૅરિટાઇમ રેસ્ક્યુ સબસેન્ટરની સાથે સંકલન સાધ્યું હતું,જેથી ડૂબી રહેલા જહાજને તાત્કાલિક સહાય પહોંચાડી શકાય.ઉપરાંત એ એરિયામાં ઑપરેટ કરી રહેલા આઇસીજી જહાજ ‘સાર્થક’ને પણ ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું અને આઇસીજી ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્લાસ શિપ સી-૧૫૨ તાત્કાલિક વડીનગરથી રવાના થઈ હતી.