કોરોના લોકડાઉનને પગલે ગુજરાતના સિનિયર અને જુનિયર IAS અધિકારીઓની બદલીઓ છેલ્લા દોઢેક વર્ષથી અટકેલી છે.જેમાં મોટાભાગના જિલ્લા કલેક્ટરો,ડીડીઓ ઉપરાંત સચિવાલયમાં ફરજ બજાવતા ૪૦થી વધુ સિનિયર IAS અધિકારીઓ છે. ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટસત્ર યોજાયું હતું.એ સમયે એવી વાતો થઈ હતી કે સત્ર પૂર્ણ થયા બાદ બદલીઓ થશે. તાજેતરમાં સરકારે બદલીઓ કરવાનું મન બનાવ્યું હતું.પરંતુ કોરોનાની બીજી લહેર આવી જતા અને કોરોનાના વિક્રમજનક કેસો આવ્યા બાદ સરકારની હાલત જ કફોડી બની હતી. જો કે હવે કેસો ધીમેધીમે ઓછા થાય એ સમયે જ ખતરનાક વાવાઝોડું આવ્યું હતું.જેને કારણે ફરી એક વખત બાબુઓની બદલીઓને મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે.
સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ,સરકારને અત્યારે હવે બાબુઓની બદલીઓ કરવાનો કોઈ મૂડ નથી.કોરોના સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જાય અને કોરોનાની ત્રીજી લહેરનું જો કોઈ જોખમ નહીં રહે તેવી સ્થિતિ દેખાશે ત્યારે જ બદલીઓ કરાશે. એવું અનુમાન થઈ રહ્યું છે કે સરકાર હવે 2022ના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીઓ કરશે.


