દીવ-દમણ : સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં કોરોનાના વધતા કેસને લઈને નવી એસઓપી બહાર પાડવામાં આવી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે,આગમી 17 એપ્રિલથી દર શનિ અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.આ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુ અને મેડિકલ સર્વિસ જ ચાલુ રહેશે.દમણ અને સંઘ પ્રદેશમાં પ્રવેશ માટે હવે બહારગામથી આવતા લોકો માટે આર.ટી પીસીઆર ટેસ્ટ પણ ફરજિયાત હોવાનું પ્રસાશન દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સાથે જ સંઘ પ્રદેશમાં અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી આવતા લોકો માટે 72 કલાક પહેલાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી મળશે.જોકે આ દરમિયાન રોજિંદા કામ માટે આવનાર મજૂર,કંપનીમાં કામ કરતા માણસો,સરકારી કર્મચારી અને સંઘ પ્રદેશમાં દુકાન ધરાવનાર અવરજવર કરી શકશે.નવી એસઓપીનું જીમ,સલૂન,સ્પા પાર્લર દ્વારા કડક પાલન કરવાનું રહેશે.નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે.જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે.રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.


