એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મેટ્રો રેલનાં કૌભાંડી અને ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તા પર મોટી કાર્યવાહી કરતાં સંપત્તિ ટાંચમાં લીધી છે.સંજય ગુપ્તાની નિશા ગ્રૃપની 14.15 કરોડ રૂપિયાની મિલકત EDએ ટાંચમાં લીધી છે.જેમાં નોઈડાની મિલકત ઉપરાતં ગુજરાતની હોટેલનો પણ સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ ઈડીએ સંજય ગુપ્તાની 36 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી.
મેટ્રો રેલનાં કૌભાંડી સંજય ગુપ્તા પર ઈડીનો ગાળિયો કસાતો જઈ રહ્યો છે. ઈડી દ્વારા સંજય ગુપ્તાની નિશા ગ્રૃ઼પની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. જેમા નોઈડામાં ફ્લેટ અને પ્લોટ તેમજ ગુજરાતની હોટેલ ટાંચમાં લેવાઈ છે. આ તમામ મિલકતની કિંમત 14.15 કરોડ રૂપિયા થવા જઈ રહી છે. ઈડીએ મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA)ની કંપનીના ફંડમાં કથિત ગેરરીતિ આચરવા મામલે આ કાર્યવાહી કરી છે.
જાણો સમગ્ર મામલોઃ
ઉલ્લેખનીય છે કે,સંજય ગુપ્તા એપ્રિલ 2011થી ઓગસ્ટ 2013 સુધી મેગાના ચેરમેન હતા.સંજય ગુપ્તાએ 2002માં નોકરી છોડી દીધી હતી અને ત્યાર બાદ નિસા ગ્રુપ ઓફ કંપનીઝ નામે પોતાનો હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કર્યો હતો.MEGAના ચેરમેન રહેવા દરમિયાન સંજય ગુપ્તાએ મનમાની કરીને તેની સાથે નિસા ગ્રુપમાં કામ કરી ચૂકેલા નજીકના અધિકારીઓની નિમણૂંક કરી હતી.ગુપ્તાએ વર્ષ 2012થી 2013 દરમિયાન નિસા ગ્રુપના ડિરેક્ટર તરીકે આ કર્મચારીઓ સાથે નકલી કંપનીઓ અને પેપર તૈયાર કરીને કંપનીના બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.નકલી કંપનીઓએ કોઈપણ પ્રકારનો માલ પુરો પાડ્યા વિના મેગા પાસેથી બોગસ બિલોના આધારે ચૂકવણીઓ લીધી.આ બિલોની સત્યતા પણ ગેરકાયદે રીતે ભરતી કરેલા અધિકારીઓએ જ તપાસી હતી.જ્યારે ચૂકવણીને અંતિમ મંજૂરી પણ ગુપ્તાએ આપી હતી.
સંજય ગુપ્તાની બોગસ કંપનીઓએ માલસામાન કે સર્વિસીસના કોઇ સપ્લાય વિના ‘મેગા’માં બોગસ બિલો મૂક્યાં હતાં. ‘મેગા’માં વર્ક કોન્ટ્રાક્ટ માટે ગુપ્તાએ મીડિયા કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાની કોઇ વર્ક પ્રોસિજર જ નહોતી કરી. ‘મેગા’ને માલસામાન અને સર્વિસીસના સપ્લાયના બહાને ડમી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયા અને બોગસ બિલો મુકાયાં. આ બિલો-ઇનવોઇસ ગેરકાયદે રીતે ભરતી થયેલા ‘મેગા’ના અધિકારીઓએ મંજૂર કરી દીધા અને છેવટે ગુપ્તાએ તેમને મળેલી વહીવટી અને નાણાકીય સત્તાના જોરે ચુકવણા એપ્રૂવ કરી દીધા.


