ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઇ રહ્યું છે.વિજય રૂપાણીએ રાજીનામું આપતા ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા છે.ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની કેબીનેટમાં નો રીપીટની થીયરી અપનાવવામાં આવી છે.એટલે એક પણ વખત મંત્રી બનેલા નેતાને બીજી વખત મંત્રી બનાવવમાં આવશે નહીં.ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને પણ મંત્રી પદ મળ્યું નથી.તેથી તેમને સમર્થકોએ સોશિયલ મીડિયામાં એક કેમ્પેન શરૂ કર્યું હતું.ત્યારે હવે કુંવરજી બાવળીયા પણ નો રીપીટની થીયરીના નિર્ણયને આવકાર્યો છે અને પોતાના કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરવા માટે જણાવ્યું છે.
કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સી.આર. પાટીલ,અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાત રાજ્યની અંદર નો રીપીટ થીયરીની વાત અપનાવી અને જૂના બધાને રીપીટ નથી કર્યા તો પછી આપણે પણ તેમની સાથે છીએ.એટલે હવે આપણે સૌ સાથે મળીને પાર્ટીના કામે લાગી જઈએ.એટલું જ નહીં જે કઈ નિર્ણય છે તે મને સ્વીકાર્ય છે.મારી સૌ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે, આપણે બધાએ કોઈ ખોટા પ્રપંચ કર્યા વગર સમાજનું કામ કરવાનું છે.
તેમણે કહ્યું કે, એટલે બધાને મારી ખાસ વિનંતી છે કે, આપણે સૌએ સાથે મળીને હાઈકમાન્ડ તરફથી જે નિર્ણય થયો છે તેને સ્વીકારીને સૌ ફરી પાછા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામે લાગીએ અને ક્યાંય ખોટા ધમાલ, પ્રપંચ અને દેખાવી કશું ન કરીએ તેવી મારી વિનંતી છે.સમાજના આગેવાનોને મારી વિનંતી છે કે, જે કઈ નિર્ણય થયો છે તે સ્વીકારીએ.જ્યારે નો રીપીટની થીયરી અપનાવી છે ત્યારે તેને આપણને પણ સ્વીકાર્ય હોવી જ જોઈએ અને આપને સૌ હવે પાર્ટીના કામે લાગીએ તેવી મારી સૌને વિનંતી છે.તો બીજી તરફ કોળી સમાજના આગેવાનોએ કુંવરજી બાવળીયાને ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પણ રજૂઆત કરી હતી.તો બીજી તરફ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને કાર્યકર્તાઓએ કુંવરજીને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા સમસ્ત કોળી સમાજનું અપમાન ગણાવ્યું છે અને ભાજપને ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવું પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.


