– વાહન ચાલકો દંડ ભરવા રાજી પણ નિયમો પાળવા તૈયાર નથી
– ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે 56.17 લાખ ઇ-મેમો ફટકાર્યા,દંડ પેટે રૂા.61.42 કરોડ વસૂલાયા : નિયમો ન પાળવામાં અગ્રેસર અમદાવાદીઓએ રૂા.14.52 કરોડ દંડ ચૂકવ્યો
અમદાવાદ : ગુજરાતમાં હજુય વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા નથી.આડેધડ ડ્રાઇવીંગ કરનારાં વાહનચાલકોની સંખ્યા ઘણી મોટી છે.પોલીસ-આરટીઓ વિભાગ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ છતાંય વાહનચાલકો શીખ લેવા તૈયાર નથી.છેલ્લા બે વર્ષમાં મોટા શહેરોમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરતા ટ્રાફિક પોલીસે ૫૬.૧૭ લાખ ઇ-મેમો ફટકાર્યા છે.પણ આ ઇ-મેમોનો દંડ વાહનચાલકો ચૂકવતા નથી. ગુજરાતના વાહનચાલકો પાસેથી ઇ-મેમોના દંડ પેટે રૂા.૩૦૯ કરોડ વસૂલવાના બાકી છે.
ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનુ પાલન થાય તે માટે અમદાવાદ જેવા મોટા શહેરોમાં દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે.શહેરના કંટ્રોલરુમ પરથી પોલીસ ટ્રાફિકનુ સુચારુ સંચાલન થાય તે માટે દેખરેખ રાખે છે.નિયમોનુ પાલન ન કરનારાં વાહન ચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવે છે.વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગે માહિતી રજૂ કરી છેકે,આખાય ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરવામાં અમદાવાદીઓ અને રાજકોટવાસીઓ અગ્રેસર રહ્યા છે.રાજકોટમાં ૧૪૯૨૭૧૫ ઇ મેમો આપવામાં આવ્યા છે અને રાજકોટ વાસીઓ પાસેથી રૂા.૧૭.૫૭ કરોડ દંડ વસૂલ્યો છે.ઇ-મેમાના રૂા.૧૧૩ કરોડ વસૂલવાના બાકી છે.આજ પ્રમાણે,અમદાવાદમાં ૧૮૨૩૬૦૨ ઇ મેમો અપાયા છે.અમદાવાદીઓ પાસેથી રૂા.૧૪.૫૨ કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે.હજુ અમદાવાદીઓ પાસેથી રૂા.૧૦૭ કરોડની વસૂલાત બાકી છે.
ગુજરાતનો એકેય જિલ્લો બાકી ન હતો જયાં ઇ મેમો અપાયો ન હતો.નર્મદા,અમરેલી,પોરબંદર,દેવભૂમિ દ્વારકામાં ઇ મેમોના દંડની રકમ અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઓછી રહી હતી.વડોદરામાં ઇ મેમોના દંડ પેટે રૂા.૫૩.૫૫ કરોડ વસૂલવાના બાકી રહ્યા છે.વડોદરામાં ૯૮૨૪૨૧ ઇ મેમો અપાયા હતાં.જયારે દંડ પેટે રૂા. ૯૦ કરોડ જેટલી માતબર રકમ વસૂલવામાં આવી હતી.
ગુજરાતમાં કુલ મળીને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી રૂા.૬૧,૪૨,૫૦,૯૯૩ દંડ વસૂલાયો હતો.


