ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં અનેક કૌભાંડો ચાલી રહ્યાં છે ત્યારે આ કચેરીના ચીફ કમિશનરનું કાયમી પોસ્ટીંગ થયું નથી.રાજ્ય સરકાર કર કમિશનરની જગ્યાએ અત્યાર સુધી આઇએએસ અધિકારીની નિયુક્તિ કરતી આવી છે.પરંતુ પ્રથમવાર આ જગ્યાએ IRS અધિકારી સમીર વકીલને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.આ અધિકારી આમ તો સ્ટેટ ટેક્સના સ્પેશ્યલ કમિશનર પર નિયુક્ત થયેલા છે.તેમને ગયા ફેબ્રુઆરી મહિનામાં ચીફ કમિશનર ઓફ ટેક્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે કે જ્યાં પહેલાં મિલિંદ તોરવણે ફરજ બજાવતા હતા.
સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનો એક વર્ગ એવું માને છે કે ચાર્જમાં હોવા છતાં આ અધિકારી GSTના કૌભાંડો પકડી રહ્યાં છે.તેથી તેમને આ જગ્યાએ કાયમી પોસ્ટીંગ આપવાની જરૂર છે.જો કે બીજાવર્ગનું એવું માનવું છે કે GST કમિશનરની જગ્યાએ સનદી અધિકારીને મૂકવા હિતાવહ છે.આ સંજોગોમાં સરકાર હજી આ પોસ્ટ માટે અનિર્ણિત છે.ટેક્સ કચેરીએ થોડાં સમય પહેલાં વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી ત્યારે 10 હજાર કરોડનું કૌભાંડ પકડાયું છે.આ અગાઉ પણ જીએસટીના અનેક કૌભાંડો પકડાયા છે. હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીર વકીલને નિયમિત ચાર્જ આપે છે કે નવા કોઇ IAS ને મૂકે છે તે જોવાનું રહે છે.