(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર: ભારત સરકાર અને ગુજરાત સરકારને ચાલુ કરેલી નવી પેન્શન સ્કીમમાં ૧૦થી ૧૫ વર્ષ સુધી રોકાણ કર્યા પછી સરેરાશ રૃા.૧૫૦૦થી ૨૫૦૦ જ માસિક પેન્શન તરીકે મળતા હોવાથી ગુજરાતના સાત લાખ કર્મચારીઓએ એનપીએસમાં રોકાણ કરતી નવી પેન્શન યોજનામાંથી તેમને મુક્ત કરીને જૂની પેન્શન યોજના જ લાગુકરવાની માગણી કરી છે.જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત થતાં કર્મચારીનો છેલ્લો પગાર રૃા. ૫૦,૦૦૦ હોય તો તેમને બેઝિક પગારના ૫૦ ટકા અને મોંઘવારી ભથ્થાના નાણાં મળીને રૃા. ૨૫૦૦૦થી ૨૭૦૦૦નું પેન્શન મળતું હતું.તેની સામે એનપીએસમાં રોકાણ કરવાની છૂટ આપતી નવી પેન્શન યોજનામાં જોડાયા પછી ૧૫ વર્ષે નિવૃત્ત થતાં કર્મચારીઓને.શેરબજારમાં નાણાં રોકતી પેન્શન સ્કીમમાં ભાગ લીધા પછી ગુજરાત સરકારના ટેકનિકલ એજ્યુકેશન વિભાગમાંથી નિવૃત્ત થયેલા આસિસ્ટન્ટ પ્રોફેસરનો છેલ્લો ગાર રૃા. ૮૦,૩૦૦ની આસપાસનો હતો.તેમને નવી યોજના હેઠળ માત્ર રૃા.૪૩૦૦નું પેન્શન મળે છે.આ જ રીતે સેક્શન અધિકારી તરીકે નિવૃત્ત થયેલા રૃા. ૪૮૦૦૦ના છેલ્લા પગારદારને રુ. ૧૪૨૫નું જ પેન્શન મળી રહ્યું છે.આમ નવી પેન્શન યોજનામાં વર્તમાન મોંઘવારીમાં નિવૃત્ત જીવન વીતાવવું કઠિન હોવાથી તેમણે નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા ઝુબેશ છેડી છે.જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરતાં કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ સુરક્ષિત છે.
નવી પેન્શન યોજનામાં પેન્શનની રકમનો કોઈ જ ગેરન્ટી નથી.જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ સરકારમાં જ થાય છે. જ્યારે નવે પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં બેઝિક પગાર ઉપરાંત મળતા મોંઘવારી ભથ્થાને કારણે પેન્શનમાં સમયે સમયે વધારો થાય છે.નવી પેન્શન યોજનામાં આ પ્રકારના લાભ મળતા જ નથી.જૂની પેન્શન યોજનામાં કર્મચારીનું અવસાન થયા પછી તેના પરિવારના સભ્યોને મદદરૃપ થવા ફેમિલી પેન્શનની વ્યવસ્થા છે. જ્યારે નવી પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.જૂની પેન્શન યોજનામાં પગાર પંચની ભલામણો પ્રમાણે પેન્શનમાં વધારો થાય છે.નવી પેન્શન યોજનામાં આ પ્રકારે કોઈ જ વધારો થતો નથી. જૂની પેન્શન યોજનામાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ હતી.તેમાં કર્મચારીઓના પગારમાંથી કોઈ વિશેષ રકમ કપાતી નહોતી.નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી ૧૦ ટકા બેઝિક અને મોંઘવારી ભથ્થું કાપી લેવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં ૪૦ ટકા રકમ રોકડમાં ઉપાડી લઈ લેવાની જોગવાઈ છે.જ્યારે નવી પેન્શન યોજનામાં ૪૦ ટકા રકમ રોકડમાં ઉપાડી લેવાની કોઈ જ જોગવાઈ નથી.જૂની યોજનામાં કર્મચારીઓને નિવૃત્તિ પછી તબીબી સારવારની સુવિધા પણ આપવામાં આવતી હતી. પરંતુ નવી યોજનામાં કોઈ જ તબીબી સારવારની સુવિધા આપવા અંગેની સ્પષ્ટ જોગવાઈ નથી.કર્મચારીઓ તરફથી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી સાથે ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવાની માગણી કરવા ઉપરાંત સાતમા પગાર પંચ પ્રમાણે ભથ્થા ચાલુ કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે. જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ગુજરાત સરકારના ૭ લાખ કર્મચારીઓ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રેલવેના કર્મચારીઓ વતી નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલુ કરવા જઈ રહેલા યુનિયનના રાજ્ય સ્તરના સચિવ જિગર શાહે જણાવ્યું હતું કે ૧૭મી એપ્રિલે સવારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં કર્મચારી અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં જૂની પેન્શન યોજના નવેસરથી ચાલુ કરીને દરેક કર્મચારીઓને તેનો લાભ આપવાની માગણી કરવામાં આવશે.પશ્ચિમ રેલવે પુરાની પેન્શન સંઘર્ષ સમિતિ પણ આ ઝુંબેશમાં જોડાશે.


