અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખને તેમની જ ફેકટરીઓમાંથી નીકળતા જોખમી કચરાથી ફેલાતા પ્રદૂષણ અને તેનાથી જોખમાતા જાહેર આરોગ્ય સાથે કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. આ બાબતનો ઘટસ્ફોટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેના વાર્ષિક અહેવાલમાં જ કર્યો છે.પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેના વર્ષ-૨૦૧૮-૨૦૧૯ના વાર્ષિક અહેવાલમાં રાજયની પોલ્યુશનના નામે નર્યુ ઝેર ઓકતી ૯૭ જેટલી કંપનીઓની એક યાદી જાહેર કરી છે.આ પૈકી જે કંપનીઓમાંથી નીકળતા જોખમી કચરાને બાળવાની સુવિધા નથી એવી કંપનીઓની યાદીમાં નટુ પટેલની વટવા જી.આઈ.ડી.સી.માં આવેલી મેઘમણી યુનિટ-ટુ ઉપરાંત અન્ય નવ કંપનીઓ કે જેમાં જોખમી કચરો બાળવા માટે જરૃરી ઈન્સીનરેશન પ્લાન્ટ એટલે કે ભઠ્ઠીની વ્યવસ્થા હોવી જોઈએ.એ વ્યવસ્થા માર્ચ-૨૦૧૯ની સ્થિતિ સુધી ના હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ બની ગયા એટલે સર્વેસર્વા બની ગયા એવા ખ્યાલમાં રાચતા અને ફેકટરી લાયસન્સની બાબત હોય કે ફાયર સેફટીના સાધનો લગાવવા અથવા ફાયર એન.ઓ.સી.મેળવવાની બાબત હોય આ તમામ બાબતોને લઈ રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ,શહેરી વિકાસ વિભાગ અથવા ફાયર વિભાગ.આ તમામ વિભાગો ઉપર નટુ પટેલ યેનકેન પ્રકારેણ રાજકીય દબાણો લાવી છાશવારે સરકારમાંથી થતાં પરિપત્રોમાં દબાણ લાવી ફેરફાર કરાવી રહ્યા છે.નટુ પટેલના દબાણ હેઠળ વખતોવખત થતા સરકારના પરિપત્રોમાં કરવામાં આવતા ફેરફારોથી અમદાવાદ શહેરના વટવા,નારોલ,નરોડા અને ઓઢવ જીઆઈડીસીઓમાં ધમધમતી ફેકટરીઓમાં રાખવામાં આવેલા જોખમી કેમિકલો ગમે તે સમયે માતંગીથી પણ વધુ મોટી હોનારત સર્જી શકે એમ હોવાની પ્રબળ સંભાવના હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત સરકાર હસ્તક કાર્યરત એવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દર વર્ષે તેમના વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ કરી વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન મેજ ઉપર મુકી મંજુરી મળ્યા બાદ લોકો સમક્ષ પ્રસિધ્ધ કરવામાં આવતો હોય છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાથે દર વખતે મોટા સેટીંગો પાડતા નટુ પટેલ અને તેમની મેઘમણી ઈન્ડસ્ટ્રીઝની પોલ ખુદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જાહેર કરેલા વર્ષ-૨૦૧૮-૧૯ના જ વાર્ષિક અહેવાલમાં ખોલી નાંખી છે.
આ અહેવાલમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજયની ટોચની કંપનીઓ અને આ કંપનીઓ પૈકી કઈ-કઈ કંપનીઓ પાસે તેમની ફેકટરીમાંથી નીકળતા જોખમી કચરાને બાળવાની સુવિધા નથી એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે ૯૭ કંપનીઓની યાદી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.આ યાદીમાં અમદાવાદની દસ કંપનીઓનો સમાવેશ કરાયો છે.બોર્ડ દ્વારા અહેવાલમાં કરવામાં આવેલી નોંધ મુજબ,વર્ષ-૨૦૧૯ માર્ચની સ્થિતિએ નટુ પટેલની વટવા જી.આઈ.ડી.સી.માં આવેલી મેઘમણી યુનિટ-ટુ ઉપરાંત અન્ય નવ ફેકટરીઓમાં હેઝાર્ડસ વેસ્ટ ઈન્સીનરેશન પ્લાન્ટની કોઈ વ્યવસ્થા ના કરવામાં આવી હોવાથી આ તમામ ફેકટરીઓમાંથી નીકળતા જોખમી કચરાનો બારોબાર નીકાલ કરી દેવામાં આવે છે.
જી.પી.સી.બી.પાસે યાદી હોવા છતાં અમલ કરાવવામાં નિષ્ફળ
અમદાવાદમાં મેઘમણી સહીત અન્ય નવ કંપનીઓ પાસે વ્યકિતગત જોખમી કચરો બાળવા માટેની સુવિધા ના હોવા અંગે ખુદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેના વાર્ષિક અહેવાલમાં જાહેર કર્યા બાદ પણ આ સુવિધા ના ધરાવતી કંપનીઓને જોખમી કચરો બાળવાની સુવિધા સ્થાપિત કરાવવામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ નિષ્ફળ ગયા હોવાનું વટવા જી.આઈ.ડી.સી.માં જે ફેકટરીઓ આવી વ્યકિતગત સુવિધા ધરાવે છે એ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
કરોડોનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓના એક ભઠ્ઠી બનાવવામાં ઠાગા ઠૈયા
નટુ પટેલની મેઘમણી ઉપરાંત અન્ય નવ કંપનીઓનું વાર્ષિક ટર્ન ઓવર કરોડો રૃપિયામાં હોવા છતાં આ તમામની ફેકટરીઓમાંથી નીકળતા રાસાયણિક કચરા અને અન્ય જોખમી કેમિકલના કચરાને બાળવાની એક ભઠ્ઠી પોતાના પ્લાન્ટમાં ઉભી કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હોવાનું જી.આઈ.ડી.સી.ના ફેકટરી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
માતંગી અને જેકસન ડાયકેમ ફેકટરીને રુપિયા ૨૫-૨૫ લાખના દંડની નોટિસ ફટકારાઈ
નવમી ડિસેમ્બરે વટવા જી.આઈ.ડી.સી. ફેઝ-ટુમાં આવેલી નટુ પટેલના ભત્રીજા મૌલિક પટેલની બંધ ફેકટરીમાં સોલવન્ટ બ્લાસ્ટ થતાં માતંગી ઉપરાંત જેકસન ડાયકેમ,રીકીન ઈન્ડસ્ટ્રીઝ અને ભાવિન ઈન્ડસ્ટ્રીઝ એમ ચાર ફેકટરીઓને ભીષણ આગથી મોટુ નુકસાન થયું હતું.આ ઘટનાના એક મહીના બાદ પણ હજુ સુધી ના તો પોલીસ ફરીયાદ થઈ કે ના તો અન્ય પ્રકારની તપાસ કરવામાં આવી.પરંતુ સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ અગ્નિકાંડ બાદ મૌલિક પટેલની માતંગી ફેકટરી કે જેમાં સોલવન્ટ ભરેલા વીસ પીપડામાં આગ લાગી હતી.આ આગથી અન્ય ત્રણ ફેકટરીઓ પણ આગમાં લપેટાઈ હતી.આ ઘટના અંગે માતંગી અને જેકસન ડાયકેમ ફેકટરીને ૨૫-૨૫ લાખની એકસરખી રકમનો દંડ વસુલ કરવા નોટિસ આપી છે.
કઈ-કઈ કંપનીઓમાં જોખમી કચરો બાળવાની ભઠ્ઠીની સુવિધા નથી?
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વર્ષ-૨૦૧૮-૧૯ના જાહેર કરવામાં આવેલાં વાર્ષિક અહેવાલમાં માર્ચ-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદની જે દસ કંપનીઓમાં જોખમી કચરો બાળવા માટે ભઠ્ઠીની વ્યવસ્થા ના હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એ કંપનીઓના નામ આ મુજબ છે.
કંપનીનું નામ કયા સ્થળે આવેલી છે
મેઘમણી ઈન્ડસ્ટ્રીઝ વટવા જી.આઈ.ડી.સી.
(યુનિટ-ટુ)
બોડલ કેમિકલ વટવા જી.આઈ.ડી.સી.
(યુનિટ-વન)
મયુર ડાયકેમ વટવા જી.આઈ.ડી.સી.
શુભલક્ષ્મી ઈન્ટરમટીડેટસ વટવા જી.આઈ.ડી.સી.
(યુનિટ-વન)
દીશમાન ફાર્માસ્યુટીકલ્સએન્ડ કેમિકલ્સ પ્રા.લિ. નરોડા જી.આઈ.ડી.સી.
બોડલ કેમિકલ્સ પ્રા.લિ. વટવા જી.આઈ.ડી.સી.
(યુનિટ-થ્રી)
સુજલ ડાયકેમ(હાલ બંધ) વટવા જી.આઈ.ડી.સી.
માનસી કેમિકલ્સ વટવા જી.આઈ.ડી.સી.
એસોસિએટેડ ડાયસ્ટફ પ્રા.લિ.(હાલ બંધ) વટવા જી.આઈ.ડી.સી.
ક્રિસ્ટલ લકવીનોન પ્રા.લિ. વટવા જી.આઈ.ડી.સી.


