ગાંધીનગર : ગાંધીનગરમાં યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારા મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે.આ હોટલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન લીલા ગ્રૂપને આપવામાં આવ્યું છે મહેમાનોની સરભરા માટે લીલા હોટલમાં આગામી સમયમાં પરમીટ લિકર શોપ પણ ઉભી કરવામાં આવશે.આ હોટલમાં મહેમાનોની આવન-જાવન નિયમિત થયા પછી લિકર શોપ અને બાર ઊભુ કરવામાં આવશે.ગુજરાત સરકારની માલિકીની મિલકત એવી હોટલ કે, ગેસ્ટ હાઉસમાં આ પહેલી એવી હોટલ હશે કે જેમાં લિકર શોપ હશે.લીલા હોટેલ બનાવવાનો ખર્ચ 790 કરોડ રૂપિયા થયો છે. 790 કરોડની હોટલમાં 76 ટકા હિસ્સો સરકારનો છે અને 24 ટકા હિસ્સો રેલવેનો છે.આ ઉપરાંત તેનું સંચાલન કરતી લીલા કંપનીના નફામાં 6 ટકાનો હિસ્સો આપવામાં આવે છે.આ હોટલમાં પરમીટ લિકર શોપ બનવવાના રાજ્ય સરકારના નિર્ણયને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી.

પરેશ ધાનાણી રાજ્ય સરકારને લઈને આક્ષેપો કર્યા હતા કે, ગાંધી અને સરદારના ગુજરાત મોડલ આખા દેશને રાહ ચીંધવાનું કામ કર્યું છે.પરંતુ સત્તાની એડીએ ગાંધી અને સરદારના સંસ્કારોને કચડ નારી ભારતીય જનતા પાર્ટીની સરકાર વીતેલા 25 વર્ષના સળંગ શાસનમાં લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી.યુવાનોના સપનાઓ તૂટીને ચકનાચૂર થઈ રહ્યા છે. વિકાસના સપના દેખાડનાર સરકાર આજે ગુજરાતના યુવાનોને નશાની લતમાં ધકેલીને તેની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.ગુજરાતમાં દર દર ભટકતા દર્દીઓને દવા ઉપલબ્ધ કરાવે.આજે આખું ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારને વિનંતી કરે છે કે, અમને દવા આપો દારૂ નહીં.અમને દવા જીવાડશે કે પછી દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ મળે તેવી હોટેલની નહીં પરંતુ દવા મળે તેવી હોસ્પિટલની જરૂરિયાત છે.ત્યારે આજના દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારની લીલાનો પડદો ઊંચકાઈ રહ્યો છે સરકારની લીલામાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને દારૂ પીરસવાની દુકાન પણ શરૂ કરવાની પણ સંભાવના છે.
આ ઉપરાંત પરેશ ધાણાની એક ટ્વિટ કરીને પણ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, સાહેબ અમને દવા જીવાડશે કે, દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતને દારૂ મળે એવી હોટલ નહીં પરંતુ દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે


