– કેસીનો,બુકીઓ,જુગારીઓ,ઈન્કમટેક્સ,ઈડી,પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના લાંચના ગેરકાયદે હવાલા પડે છે
સરકાર એક તરફ કાળાનાણાંને ઝડપી પાડવાનો દાવો કરીને પારદર્શિતાની ગુલબાંગો ફૂંકે છે.બીજી તરફ ગુજરાતની આંગડિયા પેઢીઓમાં ગેરકાયદેસર કરોડો રુપિયાના હવાલા પડી રહ્યા છે છતાં સરકાર અને તંત્ર કેમ ચૂપ છે? આ બાબતે અનેક પ્રકારની શંકાઓ સેવાઈ રહી છે.રાજયમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આંગડિયા પેઢીઓ રોજના કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહી છે.તેમ છતાં સરકાર અને તંત્રની તેના પર કોઈ લગામ નથી.કસીનો,જુગાર,ક્રિકેટ મેચના સટ્ટા,શેરબજારના સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા પાડવા માટે મોટાભાગની આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે.
500 આંગડિયા પેઢીઓમાં 500 કરોડના હવાલા
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અંદાજે 500 થી પણ વધારે આંગડિયા પેઢીઓ ધમધમી રહી છે.સામાન્ય રીતે એક આંગડિયા પેઢીમાંથી રોજના એક કરોડ રૂપિયાના હવાલો પડે તો 500 આંગડિયા પેઢીઓમાં 500 કરોડના હવાલા પડી રહ્યાં છે.આમાંની કેટલીક આંગડિયા પેઢીમાં તો રોજના 10 કરોડથી માંડીને 50 કરોડ સુધીના હવાલા પડતા હોય છે.એક લાખ રૂપિયાના ૧૦૦ રૂપિયા પ્રમાણે આંગડિયા પેઢીના સંચાલકો ચાર્જીસ વસૂલતા હોય છે.જેમાં જુગારીઓ,બુકીઓ તેમજ બે નંબરના ધંધા સાથે સંકળાયેલા અનેક વ્હાઈટ કોલર ગુનેગારોના રૂપિયાની હેરાફેરી કોઈપણ જાતના ટેક્સ વિના પોતાની ઈચ્છિત જગ્યાએ મળી જાય છે.
અનેક પ્રકારની શંકાઓ સેવાઈ રહી છે
સુત્રોની વાત માનીએ તો ઈન્કમટેક્સ વિભાગના કેટલાક અધિકારીઓના,એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓના અને રાજકારણીઓના ભ્રષ્ટાચારના પડીકાઓની પણ આ આંગડિયા પેઢીમાંથી જ હેરાફેરી થતી હોય છે.જેથી મોટા મોટા બિઝનેસમેનો,ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ અનેક વેપારીઓને ત્યાં દરોડા પાડતાં ઈન્કમટેક્સના અધિકારીઓને પણ આ આંગડિયા પેઢીઓના કરોડો રૂપિયાના હવાલા દેખાતા નથી.બીજી તરફ દરેક સંવેદનશીલ જગ્યાએ તપાસ કરતી ઈડીના અધિકારીઓને પણ બુકીઓના,જુગારીઓના,કસીનોના કરોડો રૂપિયાની હેરાફેરી કેમ દેખાતી નથી.એ બાબતે અનેક પ્રકારની શંકાઓ સેવાઈ રહી છે.
બુકીને ઈડી અને ઈન્કમટેક્સ સાથે ગોઠવણ હોવાની ચર્ચા
સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જીતુ નામના એક બુકીને ઈડી અને ઈન્કમટેક્સ સાથે ગોઠવણ હોવાની ચર્ચાના કારણે આંગડિયા પેઢીનો કરોડો રૂપિયાનો ગેરકાયદેસર ધંધો કોઈ બંધ કરાવી શકતુ નથી.દિપકલાલ નામના એક બુકીએ તો અન્ય આંગડિયા પેઢીમાં કમિશન ના આપવા પડે તે માટે પોતાની જ આંગડિયા પેઢી શરૂ કરી દીધી છે.હવે મોટાભાગના બુકીઓ દીપકલાલની આંગડિયા પેઢીમાં જ કરોડો રૂપિયાના હવાલા પાડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.પાટણ, ભાભર અને થરાદના બધા બુકીઓ દીપકલાલની પેઢીનો ઉપયોગ કરતા થયાં છે.
બુકીઓએ ગોવાના કસીનોમાં ભાગીદારી કરી
આ તમામ બુકીઓના બધા પૈસા નેપાળના એક કસીનોમાં જાય છે.નેપાળના જાપા ગામમાં આ કરોડો રૂપિયાના હવાલાનો વહિવટ થતો હતો.પરંતુ હવે ત્યાં અમદાવાદથી બાગડોગરાની જે ફ્લાઈટ જતી હતી તે બંધ થઈ જવાથી હવે આ બુકીઓએ ગોવાના કસીનોમાં ભાગીદારી કરી છે.ત્યાં પણ કરોડો રૂપિયાના હવાલા પડી રહ્યાં છે.તેમાં સૌથી વધારે ગુજરાતના જ બુકીઓ અને જુગારીયાઓનો સમાવેશ થાય છે.હવે સરકાર અને તંત્ર આ બાબતે પગલાં ભરે છે કે કેમ એ તો સમય જ બતાવશે.