કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના એક પછી એક શહેરો અને ગામડાંઓ લોકડાઉન તરફ જઈ રહ્યા છે.રાજ્યના ઘણા વિસ્તારોમાં વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાળવાનો નિર્ણય લેવાયો છે.બીજી બાજુ સુરતમાં કોરોના કેસોમાં વધારો થતા એક મોટા નિર્ણય લેવાયો છે.સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા આજથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.આ સેવા 10 દિવસ સુધી બંધ રહેશે.આ સમય ગાળા દરમિયાન ખાનગી વાહન,ગૂડઝ પરિવહન વાહન,ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.
જાણો ગુજરાતના કયા શહેરો અને ગામડાંઓ બપોર પછી લોકડાઉન રહેશે?
કોરોના કહેર વચ્ચે પાટણના સિદ્ધપુર નગરપાલિકાએ એક મોટા નિર્ણય લીધો છે.પાટણમાં તો 31 જુલાઈ સુધી બપોર 1 વાગ્યા સુધી જ બજારો ચાલું રાખવાનો નિર્ણય લેવાયો છે,પરંતુ હવે સિદ્ધપુરમાં પણ 15 ઓગસ્ટ સુધી દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલશે. કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે.પાટણ બાદ સિદ્ધપુરમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતાં લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.પાલિકા દ્વારા બપોરના 2 વગ્યા બાદ તમામ ધંધા-રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે.જેના કારણે આજથી 15 ઓગસ્ટ સુધી બપોર બાદ તમામ ધંધા રોજગાર બંધ રહેશે.14 દિવસ બજારો સ્વયંમભુ બંધ રહેશે.
ગુજરાતના સૌથી મોટા એપીસેન્ટરોમાં જેની ગણતરી થાય છે તેવા ઊંઝા માર્કેટયાર્ડ 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ વધતા ઉંઝા APMCના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.આજથી ઉંઝાનું એપીએમસી માર્કેટ 2 તારીખ સુધી બંધ રહેશે.ઊંઝા વેપારી એસોસિએશન અને ઊંઝા વેપારી મંડળની ભલામણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.અત્યાર સુધી 20 તારીખથી 25 તારીખ સુધી વેપારીઓ પોતાના વેપાર ધંધા સ્વંયંભુ બંધ રાખ્યા હતા.પરંતુ હવે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.
રાજકોટમાં પણ કોરોનાના વધતા સંક્રમણને જોતાં આજથી સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જાહેરાત કરતા કહ્યું કે,આજથી લઈને એક ઓગસ્ટ સુધી રાજકોટની સોની બજાર બંધ રાખવામાં આવશે.
બીજી બાજુ સુરતના હીરા ઉદ્યોગકારોએ એક મોટી માંગણી કરી છે. ઉદ્યોગકારો દ્વારા સમય વધારવા માંગણી કરાઈ છે.હાલ બપોરે 2થી 6 સુધીની મંજૂરી છે. પરંતુ તેમણે સરકાર પાસે સવારે 10થી સાંજના 6 સુધી છૂટની માગ કરી છે. સુરતના ઉધોગકારોએ સરકારને કારણ આપ્યું છે કે ઓછા સમયમાં પ્રોસેસિંગ કાર્ય મુશ્કેલ બન્યું છે, અને હીરા ઉદ્યોગમાં કામના ફાંફા પડી રહ્યા છે.સવારે 10થી 6 દરમિયાન અટવાયેલા કામો પાર પાડી શકાય તેમ છે.હાલનો સમય ઓછો પડી રહ્યો છે. રત્નકલાકારોને પણ રોજગારી મળી શકે તેના માટે આ માંગણી કરાઈ છે.
આ સિવાય સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ પણ ચીમકી ઉચ્ચારી છે.સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ 31 જુલાઈથી હડતાળ પર જવાની ચીમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.તબીબોએ 6 મહિનાની રૂ.7.50 લાખ ફી માફ કરવા માગ કરી છે.કોવિડ,ઈમરજન્સીમાં કાર કરતા અભ્યાસને નુકસાન થઈ રહ્યું હોવાનું કારણ આગળ ધર્યું છે.જેના કારણે મનપા ફી માફ ન કરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ સિવાય કોરોના વાયરસને અટકાવવા માટે અનેક નગરો અને ગામડાઓમાં વેપારીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે.અનેક શહેરોમાં વેપારીઓએ દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય નક્કી કર્યો છે.અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો જેવા કે ચિલોડા,દહેગામ,ડભોઈ,લુણાવાડા રાજપીપળા,છોટા ઉદેપુર,ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ નિર્ણય લીધો છે.આ તમામ શહેરો અને ગામડાઓમાં બપોર પછી બંધ રહેશે.