ગુજરાતના કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ અપીલ કરું છું કે, આપણે એવા કાળમાંથી પસાર થઇ રહ્યા છે કે, એક્સપર્ટ લોકો એમ કહે છે કે કોરનાનો વ્યાપ વધશે. એટલે આપણે જે-જે જગ્યા પર પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં લોકડાઉન કર્યું છે. લોકડાઉનનો મતલબ માત્ર વેપાર-ધંધા નહીં પણ બિનજરૂરી લોકો બહાર નીકળે નહીં. આ બધું નવું છે એટલે આપણે મનને કેળવવું પડશે. હજુ તો ગઈકાલથી આ લડાઈની શરૂઆત થઇ છે. લોકો એમ ન માને કે, ગઈકાલનું પતી ગયું એટલે બધું પતી ગયું. નવાઈ લાગશે ગઈકાલે 18 કેસ હતા અને આજે 30 કેસ થયા છે. એક દિવસમાં 12 કેસનો વધારો થયો છે. આ બધું મલ્ટીપ્લાય થાય છે.
આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે, બિનજરૂરી લોકો એકબીજાને મળે નહીં. આનો એક સમય 31 માર્ચ આપણે પાર કરી દઈએ તો હું એમ માનું છું કે, ગુજરાતમાં આપણે કોરોના સામેની લડાઈને પાર પાડીશું. સરકારે ન છુટકે લોકડાઉન કરવું પડ્યું છે. લોકોને અપીલ કરી છું કે, આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. આ બધું આપણા બધાના માટે છે. કોરોનાનો વ્યાપ વધશે તો પછી પસ્તાવાનો વારો આવશે. મારા બે હાથ જોડીને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, કુટુંબની સાથે રહીએ. કુટુંબમાં પણ સહેજ કોઈને બીમારી હોય તો તેનો ઈલાજ કરાવીએ. ઘરની બહાર ન નીકળીએ.
ઘણા લોકો રસ્તા જોવ માટે નીકળે છે. બજાર બંધ છે તો પણ લોકો ટોળામાં બેસે છે, પણ ખરેખર આનાથી તો કોરોના ફેલાશે. મહેરબાની કરીને આ બધું બંધ કરીને શિસ્ત જાળવીએ. મેં પોલીસને કહ્યું છે એટલે બિનજરૂરી હેરફેર પોલીસ બંધ કરાવશે એટલે કોઈ પોલીસ સાથે માથાકૂટ ન કરે. તમે કલ્પના કરો અમેરિકા, જર્મની, ફ્રાન્સ એ બધા વિકસિત દેશો છે અને ત્યાં કોરોના કેસ 20,000 પર પહોંચ્યો છે એટલે આપણે ધ્યાન નહીં આપીએ તો આપણે ક્યાં પહોંચીશું.
હું લોકોને ખાતરી આપું છું કે, લોકોને આવશ્યક ચીજવસ્તુની ઘટ નહીં પડે. દૂધ મળશે, અનાજ મળશે, શાકભાજી મળશે, મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે, બેંક પણ શરૂ છે. આટલા દિવસમાં કોઈ વ્યવહાર અટકવાનો નથી. એટલે થોડા દિવસ બધા આ પરિસ્થિતિને જાળવી લઇએ એટલે સૌનો સાથ સૌનો વિશ્વાસ અને પછી સૌનો વિજય થશે.
રાજ્યસભાની ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાની કોઈ રજૂઆત કરવામાં આવી નથી. વિધાનસભાના સત્રનું પણ આવનારા દિવસોમાં શું કરવું તેની ચર્ચા કરી નથી. યોગ્ય સમયે આ વિષયની ચર્ચા કરીને તેનો નિર્ણય લઈશું.